ગોંડલ ખાતે બીએપીએસ મંદિરે મહંતસ્વામીના હસ્તે 29 યુવાને પાર્ષદી દીક્ષા ગ્રહણ કરી હતી. આ અવસરે સંસ્થાના 650થી વધુ સંતો અને દીક્ષાર્થીના માતા-પિતા તેમજ કુટુંબીજનોની હાજરીમાં દિવ્ય પાર્ષદી દિક્ષા મહોત્સવ સંપન્ન થયો હતો. જેમાં 2 ડૉકટર, 4 અનુસ્નાતક, 11 એન્જિનિયર, 7 સાયન્સ ગ્રેજ્યુએટ અને 4 અન્ય ગ્રેજ્યુએટ સુધીનો અભ્યાસ કરનાર યુવક સહિત કુલ 29 નવયુવાને મહંતસ્વામીના હસ્તે પાર્ષદી દિક્ષા ગ્રહણ કરી હતી. લાડકવાયા દીકરાને ભગવાન ભજવાના પંથે પ્રયાણ કરવાની આજ્ઞા આપવાના પ્રસંગે, દીક્ષાર્થી યુવાનોના માતા-પિતા આનંદિત હતા. દિક્ષા મહોત્સવ આરંભ સવારે 8 વાગે વૈદિક મહાપૂજા વિધિથી થયો હતો.
મુખ્ય દિક્ષાવિધિની શરૂઆતમાં મહંતસ્વામી મહારાજે સાધકોને યજ્ઞોપવિત ધારણ કરાવી. સદગુરુ સંતોએ નવદિક્ષિત પાર્ષદોને ક્રમશઃ કંઠી, માળા, પાઘ અને ગાતરીયુ ધારણ કરાવ્યા. ત્યારબાદ ગુરુહરી મહંતસ્વામી મહારાજે પ્રત્યેક દીક્ષાર્થીને ગુરુમંત્ર આપી કૃપાઆશિષ પાઠવ્યા હતા. દીક્ષા મહોત્સવની મુખ્યસભામાં દીક્ષાર્થી યુવાનોના પિતાને સંસ્થાના વરિષ્ઠ સંતો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા દિક્ષા મહોત્સવના સમાપનમાં મહંતસ્વામી મહારાજે કહ્યું કે,‘બધું આપવું સહેલું છે, પણ દીકરા આપવા ઘણું અઘરું છે. સર્વે પાર્ષદો સાધુતાના માર્ગે આગળ વધે તે આશીર્વાદ છે. બીએપીએસના વડા મહંતસ્વામીની નિશ્રામાં યુવાનોએ સાધુતાના માર્ગે આગળ વધવાની તૈયારી સાથે પાર્ષદી દીક્ષા ગ્રહણ કરી હતી. આ અવસરે ભાવવાહી દ્રશ્યો સર્જાયા હતા.