સામાન્ય રીતે ગ્રામ પંચાયત કે સરકારી કચેરીનો સમય સવારે ૧૦.૩૦થી સાંજ ૬.૧૦નો હોય છે. પરંતુ એક ગ્રામ પંચાયત એવી છે કે જ્યાં રાતે પણ કામકાજ ચાલતા રહે છે અને તે છે વેરાવળ ગ્રામ પંચાયત. કે જે નાગરિકોની સેવા માટે દિવસે રોજિંદા સમયની સાથે રાતે ૧૦ કે ૧૦.૩૦ સુધી ચાલુ રહે છે. આથી ગામમાં રહેતા કામદારો, ખેડૂતો, નાગરિકો દિવસે પોતાના કામ પતાવીને રાતે આરામથી પંચાયતની સેવાઓ લઈ શકે છે.
જો કોઇને આવકનો દાખલો કઢાવવો હોય કે પછી અન્ય કોઇ કામ હોય, તેમને કપાત પગારે રજા રાખીને દિવસે દોડાદોડી કરવી પડતી નથી. રાતે જમીને આરામથી પંચાયત કચેરીએ જઇને દાખલો કઢાવી શકે છે. સ્ટાફ સહર્ષ દાખલો કાઢી આપે છે અને તલાટીની સહી પછી, રાતે સાડા આઠ વાગ્યે તેને આવકનું પ્રમાણપત્ર મળી જાય છે.
કચેરી ખૂલવાનો સમય તો નિયત જ : તલાટી વેરાવળના તલાટી પરાગ વસોયાએ જણાવ્યું હતું કે, શ્રમિકો, ખેડૂતોને સરળતા રહે તે માટે રાતે ૧૦ કે ૧૦.૩૦ સુધી જરૂરિયાત મુજબ પંચાયતની કામગીરી ચાલુ રહે છે. જેમાં આવકના દાખલા, નોન ક્રિમિલેયર સર્ટી, રાશનકાર્ડ ઈ-કેવાયસી, ખેડૂતોને વિવિધ યોજનાઓ, સહાય માટેના ફોર્મ ઓનલાઈન ભરી આપવા, લગ્ન સર્ટી, જન્મ-મરણના દાખલા, પંચાયતના વિવિધ વેરાની વસૂલાત સહિતની કામગીરી થાય છે. રાતે મોડે સુધી નાગરિકોના કામ થતા હોવા છતાંય સવારે પંચાયત કચેરી નિયત સમયે ખુલી જાય છે અને રોજિંદી કામગીરી શરૂ થઈ જાય છે. અમારી પાસે પાંચ ઓપરેટર છે, જેની મદદથી આ સમગ્ર કામગીરી કરવામાં આવે છે.