કોઠારીયા રણુજા મંદિર સામે મંગલ પાર્ક-3માં રહેતાં અને લોખંડના બારી-દરવાજાનું ફેબ્રિકેશનનું મજૂરી કામ કરતાં હિરેનભાઈ હિંમતલાલ સિદ્ધપુરા દ્વારા ભક્તિનગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે કેતન નટવરલાલ કક્કડનું નામ આપ્યું હતું. હિરેનભાઇએ જણાવ્યું હતું કે, તે લોખંડના જાળી, દરવાજા અને ગ્રીલનું ફેબ્રિકેશનનું કામ કરે છે.
અગાઉ તે પિતા સાથે પ્રહલાદ પ્લોટની દુકાને ફેબ્રિકેશનનું જોબવર્ક કરતો હતો. ત્યારે પ્રહલાદ પ્લોટ શેરી નં.12માં રહેતા કેતન કક્કડ સાથે પરિચય થયો હતો. લોખંડનો ધંધો કરતા કેતનભાઈએ 2017માં કેતનભાઈએ તેને કહ્યું હતું કે, તું મારી પાસેથી વધુ માલ લે હું તને 45 દિવસની ક્રેડિટ આપું છું.
જેથી તેણે દોઢેક વર્ષમાં દોઢેક કરોડ જેટલો માલ કેતનભાઈ પાસેથી લઇ પેમેન્ટ તે RTGSથી કેતનભાઈના એકાઉન્ટમાં કરતો હતો. 2018માં યુવાને સોનગઢ, વાપી અને મધ્યપ્રદેશમાં અમુક પાર્ટીઓને માલ મોકલ્યો હોય તેનું પેમેન્ટ આવ્યું ન હોવાથી કેતન પાસેથી માલ ઓછો લેવાનું શરૂ કરી દીધું હતું. દરમિયાન તેને માલના રૂ.16 લાખ કેતનને ચૂકવવાના બાકી હતા જેમાંથી 6થી 7 લાખ તેણે કટકે કટકે ચૂકવ્યા હતા. છેલ્લે તેને રૂ. 9.61 લાખ બાકી બોલતા હતાં.
કેતને વ્યાજ આપવાનું કહેતા યુવકે 16 લાખના 4 ટકા લેખે પ્રતિ માસ રૂ.64 હજાર ચૂકવવા લાગ્યું હોય જે 8 મહિના સુધી વ્યાજ ચૂકવ્યું હતું. છતાંય કેતને કહ્યું કે, “મને ખબર છે કે તને ધુંબો આવ્યો છે. તારા વ્યાજના પૈસા હું મૂડીમાં ગણું છું.’ ધીમે ધીમે પૈસા ચૂકવી આપજે. બાદમાં યુવકે પૈસા ચૂકવવાના બંધ કરી દીધા હતા.