વેપારીનું સોનુ લઇ નાસી છૂટેલા શખ્સની ધરપકડ

પેલેસ રોડ પરના બે સોની વેપારીના રૂ.27.27 લાખના દાગીના લઈ ફરાર થઈ જનાર આરોપીને અજમેરથી એલસીબી ઝોન-2 ટીમે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભક્તિનગર સોસાયટીમાં રહેતા નીખીલભાઈ રાજેન્દ્રભાઈ રાણપરા (ઉ.વ.34)એ ફરિયાદમાં આરોપી તરીકે મનોજ મોહન શર્માનું નામ આપી જણાવ્યું હતું કે, તેઓ પેલેસ રોડ પર પ્રભુકૃપા જવેલર્સ નામની પેઢી ધરાવી વેપાર કરે છે. તેઓ સોનાના દાગીના વેચાણ કરવા માટે દાગીના કારીગરો પાસે બનાવડાવે છે. આરોપી મનોજ શર્મા પાસે મજુરીકામથી કામ કરાવતા હતા. તા.20/02/2024ના આરોપીને શોરૂમ પર બોલાવી બે સોનાની માળા, એક જોડી સોનાના પાટલા સહિત રૂ.12.52 લાખના દાગીના ઝડતર કામ કરવા માટે આપ્યા હતા. જે બે દિવસમાં પરત આપી જવાનું મનોજે કહ્યું હતું.

જે બાદ તેને અવારનવાર ફોન કરતા તેનો ફોન સ્વીચઓફ આવતો હતો. ફરિયાદીના કાકાના દીકરા પાર્થને વાત કરતા તેમજ નિલેષભાઈ કાત્રોડીયાએ પણ મનોજને દાગીના ઝડતર કામ માટે આપતા હોવાથી તેમને પૂછતાં જણાવ્યું કે, તેઓએ પણ રૂ.14.75 લાખના દાગીના ઝડતર કામ માટે આપ્યા હતા. તેઓ પણ સંપર્ક કરતા ફોન બંધ આવતો હતો જેથી બન્ને સોની વેપારી પાસેથી રૂ. 27.27 લાખના દાગીના લઈ આરોપી ફરાર થઈ જઈ છેતરપીંડી આચરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *