રાજકોટના કાલાવડ રોડ પર કેકેવી સર્કલ અને આત્મીય કોલેજની વચ્ચે પરિમલ સ્કૂલની સામે બ્રિજની નીચે રૂ.1 કરોડના ખર્ચે પિંક બોલ, બોક્સ ક્રિકેટ અને ઇન્ડોર ગેમ સહિતની રમતો નાના બાળકો રમી શકે તે માટે મહાનગરપાલિકા દ્વારા ગેમ ઝોન બનાવવા આયોજન કરાયું છે અને તેની કામગીરી જોરશોરથી ચાલી રહી છે ત્યારે આ મુદ્દે ચાલી રહેલો વિવાદ વધુ વકર્યો છે અને ગેમ ઝોન બનાવવાનો વેપારીઓએ વિરોધ નોંધાવી હાઇકોર્ટના દ્વારા ખખડાવવાની અને કોંગ્રેસે શનિવારથી જ આંદોલનના મંડાણ કરવાની જાહેરાત કરી છે.
આ વિસ્તારના વેપારી અગ્રણી ઘનશ્યામભાઇએ જણાવ્યું હતું કે, બ્રિજ બનવાના કારણે બન્ને તરફનો સર્વિસ રોડ ખુબ જ સાંકડો થઇ જવાના કારણે ટ્રાફિકજામ થવાના કારણે દરરોજ નાના-મોટા અકસ્માતો અને ઝઘડાના બનાવો બની રહ્યા છે. ટીઆરપી અગ્નિકાંડમાં 27 નિર્દોષ લોકોનો ભોગ લેવાયો હતો. ત્યારબાદ બાંધકામ મંજૂરીમાં કડકાઇ રાખવામાં આવતી હતી પરંતુ હવે માનવ જિંદગીની કોઇ કિંમત ન હોય તેમ બ્રિજ નીચે ગેમ ઝોન બનાવવામાં આવી રહ્યો છે. આ બ્રિજ નજીકમાં જ આત્મીય કોલેજ, જી.ટી.શેઠ સ્કૂલ, પરિમલ સ્કૂલ આવેલી હોય સ્કૂલ અને કોલેજ છૂટે ત્યારે ટ્રાફિકજામની સ્થિતિ સર્જાય છે. તેમજ ગ્રાહકોને પણ પોતાના વાહનો ક્યાં ઊભા રાખવા તે પ્રશ્ન ઉભો થશે. આગામી તા.2જીએ વેપારીઓની બેઠક બોલાવી છે અને તેમાં હાઇકોર્ટના દ્વાર ખખડાવવા સુધીના પગલાં અંગે ચર્ચા કરાશે.