શહેરમાં શનિવારે આપઘાતના બે બનાવ પોલીસ ચોપડે નોંધાયા છે. જેમાં કોઠારિયા રોડ પર સ્વાતિ પાર્કમાં રહેતી યુવતીએ સાંઇબાબા સર્કલ પાસે ગળાફાંસો ખાઇ અને ન્યૂ ગાંધી સોસાયટીમાં રહેતા વૃદ્ધે એસિડ ગટગટાવી જીવાદોરી ટૂંકાવી લીધી હતી.
નાનામવા રોડ પર ન્યૂ ગાંધી સોસાયટી શેરી નં.8માં રહેતા કિશોરભાઇ ભૂરાભાઇ પાંભર નામના 62 વર્ષના ઉદ્યોગપતિ વૃદ્ધે શનિવારે પોતાના ઘેર અગમ્ય કારણોસર એસિડ ગટગટાવી લેતા ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં તેમના પુત્રે જણાવ્યું હતું કે, છેલ્લા થોડા સમયથી બ્લડપ્રેસર અને ડાયાબિટીસ જેવી બીમારીથી પીડાતા હોવાથી આપઘાત કર્યો છે. જોકે પોલીસે કારણ ગળે ન ઉતરતા વધુ તપાસ હાથ ધરી છે.
જ્યારે બીજા બનાવમાં કોઠારિયા રોડ પર સ્વાતિ પાર્કમાં રહેતી ડોલીબેન આચાર્ય નામની 24 વર્ષની યુવતીએ સાંઇબાબા સર્કલ પાસે ફાંસો ખાઇ જીવાદોરી ટૂંકાવી લીધી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં ડોલીબેનના લગ્ન અમિત અગ્રાવત નામના યુવાન સાથે થયા હતા અને બન્ને વચ્ચે મનમેળ ન હોવાથી છૂટાછેડાની પ્રક્રિયા હાલ ચાલી રહી છે અને ડોલીબેન ખાનગી કંપનીમાં નોકરી કરે છે. હાલમાં તેમના પરિવારજનો આવી ગયા છે અને તેઓ અંતિમક્રિયામાં હોય તેમની પૂછપરછ બાદ આત્મહત્યાનું કારણ બહાર આવશે.