વૃદ્ધાને બચાવવા જતાં પુત્રને ઇજા, મહિલા સહિત બે સભ્યનો બચાવ

ધોરાજીના બહારપુરામાં આવેલા એક રહેણાંકમાં રાંધણગેસ સિલિન્ડરની નળી લીક થતાં આગ ભભૂકી હતી અને તેની લપેટમાં પળવારમાં આખું ઘર આવી ગયું હતું. ઘરના અન્ય સભ્ય તો બહાર નીકળી શક્યા હતા પરંતુ 80 વર્ષના વૃધ્ધા દોડીને બહાર નીકળી ન શકતાં તેમનું ભુંજાઇ જવાથી મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં ફાયરની ટીમ ધસી ગઇ હતી અને પાણીનો મારો ચલાવીને આગ કાબુમાં લીધી હતી. બીજી તરફ મામલતદાર, પાલિકાના અધિકારીઓ અને પીજીવીસીએલના અધિકારીઓ દોડી ગયા હતા.

ધોરાજીના બહારપુરા વિસ્તારમાં રહેતા યાસીનભાઈ ગરાણાના મકાનમાં કોઈ અગમ્ય કારણોસર એલપીજી ગેસ સિલિન્ડરની નળી લીક થતાં આગ લાગી હતી અને તેમાં રહેતા 80 વર્ષના વૃદ્ધ મહિલા રહેમતબેનનું મોત નિપજ્યું છે, જ્યારે વૃધ્ધાને બચાવવા જતા તેમના પુત્રને ઈજા પહોંચતા સારવારમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ આગના આ બનાવમાં મહિલા સહિતના બેનો બચાવ થયો છે. યાસીનભાઈ ગરાણાના મકાનમાં મરિયમબેન ગેસના ચૂલા ઉપર રસોઈ કરતા હતા ત્યારે કોઈ અગમ્ય કારણોસર અચાનક જ આગ ભભુકી ઉઠી હતી અને પળવારમાં આખા ઘરમાં આગ ફેલાઇ ગઇ હતી જેમાં તેમના પુત્રી તાત્કાલિક સીડી ઉપરથી ઉપલા માળે જતા રહ્યા હતા જ્યારે 80 વર્ષના વૃદ્ધ મહિલા રહેમતબેન ગરાણા ભાગી ન શકતાં આગમાં લપેટાઈ ગયા હતા અને તેમને બચાવવા તેમનો પુત્ર યાસીનભાઈ દોડ્યા હતા પરંતુ તેમને બચાવી શકાયા ન હતા. આગની લપેટમાં આવી ગયેલા વૃધ્ધાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે પુત્ર બહાર દોડી આવ્યો હતો. આ આગનાં આ બનાવનાં પગલે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા રાહત બચાવ કામગીરીમાં લાગી ગયા હતા, ફાયરની ટીમ આવે ત્યાં સુધી લોકોને બચાવવા સીડી સહિતના સાધનો લઇ આવીને રેસ્ક્યુ હાથ ધર્યું હતું અને એવામાં પાલિકાની ફાયરની ટીમ પહોંચી ગઇ હતી અને પાણીનો મારો ચલાવીને આગ કાબુમાં લીધી હતી. જો કે ફાયરની ત્વરિત કાર્યવાહીને લીધે જાનહાનિ બચી હતી. આ આગનાં બનાવ ની જાણ થતાં ધોરાજીના મામલતદાર જોશી, ચીફ ઓફિસર જયમલ મોઢવાડિયા, પીઆઈ રવી ગોધમ સહિતના અધિકારીઓ દોડી ગયા હતા અને તપાસ હાથ ધરી હતી. બીજી તરફ પોલીસે વૃધ્ધાની લાશને પીએમ માટે ખસેડી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *