કાશ્મીરના પહલગામમાં ભારતીય ટૂરિસ્ટ પર આતંકવાદીઓએ કરેલા હુમલાનો જવાબ આપવા ભારતના સેનાના વીર જવાનોએ સરહદ પાર ચાલતા આતંકી કેમ્પોને નષ્ટ કરી અવિસ્મરણીય શૌર્યવાન સાહસ અને શક્તિનું પ્રદર્શન કરી સમગ્ર વિશ્વને ભારત દેશની તાકાતનો પરિચય કરાવ્યો હતો. તેમજ દરેક પરિસ્થિતિમાં દેશના લોકોને સુરક્ષા પૂરી પાડવા તૈયાર હોવાનો સંદેશ આપ્યો છે. ત્યારે ભારતીય સેનાના વીર જવાનોએ કરેલા ઓપરેશન સિંદૂરને બિરદાવવાના ભાગરૂપે રાજકોટમાં આજે 14 મેને બુધવારે તિરંગા યાત્રાનું રાષ્ટ્રીય એકતા સમિતિ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. આ તિરંગા યાત્રામાં દરેક સમાજના આગેવાનો, શહેરના શ્રેષ્ઠીઓ, અધિકારીઓ અને પદાધિકારીઓ સહિતના અને ભારતીય સેનાના સાહસ અને શૌર્યને બિરદાવવા તિરંગા યાત્રામાં ઉત્સાહભેર જોડાશે.
તિરંગા યાત્રા આજે સાંજે 5.30 કલાકે બહુમાળી ભવન ચોક સ્થિત સરદાર વલ્લભભાઇ પટેલ પ્રતિમા ખાતેથી વિશાળ જનસમુદાય સાથે યાત્રાનો પ્રારંભ કરવામાં આવશે અને આ યાત્રા જ્યુબિલી બાગ ખાતે આવેલી મહાત્મા ગાંધીની પ્રતિમા ખાતે પૂર્ણાહુતિ થશે. રાજકોટ શહેરની જનતામાં દેશદાઝ વ્યક્ત કરવાના આ અવસરે મોટી સંખ્યામાં જનસમુદાયને જોડાવવા માટે રાષ્ટ્રીય એકતા સમિતિ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. આ તિરંગા યાત્રા સફળ બનાવવા માટે રાષ્ટ્રીય એકતા સમિતિના સંયોજક શૈલેષભાઇ જાની, અનુપમભાઇ દોશી, અજયભાઇ પટેલ, સુનિલભાઇ વોરા અને વિરાભાઇ હુંબલ સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે.