જેતપુર તાલુકામાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૩-૨૦૨૪માં મંજૂર થયેલા વીરપુર-મેવાસા રોડ પરના સ્લેબ ડ્રેઇન અને રસ્તાના કામમાં વ્યાપક ગેરરીતિ થઇ રહી હોવાની ફરિયાદો ઉઠી છે.
આ કામ ભૂમિ કન્સ્ટ્રક્શન નામની એજન્સીને સોંપવામાં આવ્યું હતું, પરંતુ એજન્સી ટેન્ડરની શરતો મુજબ કામ ન કરતી હોવાનો આક્ષેપ કરી કામની તપાસ કરવા અને નબળું કામ જણાય તો કંપનીને દંડ કરવા અને ક્લિનચીટ ન મળે ત્યાં સુધી ચુકવણું ન કરવા જાગૃત અધિકારીએ રજૂઆત કરી છે.
ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે, આ કામમાં જવાબદાર અધિકારીઓ દ્વારા યોગ્ય ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું નથી કે ગુણવત્તા ચકાસવા માટે કોઈ સેમ્પલ રિપોર્ટ પણ લેવામાં આવ્યા નથી.
એજન્સી દ્વારા મનસ્વી રીતે કામ કરી લેવામાં આવ્યું છે. આથી જો આ કામનું સરકારી અને ખાનગી પંચોની હાજરીમાં સ્થળ પર રોજકામ અને પંચનામું કરી સઘન તપાસ કરવામાં આવે તો તેમાં કરવામાં આવેલી ગોલમાલ ખુલે.
જ્યાં સુધી તપાસનો સંપૂર્ણ અહેવાલ ન આવે અને એજન્સીને ક્લીન ચીટ ન મળે, ત્યાં સુધી ભૂમિ કન્સ્ટ્રક્શનનું તમામ પ્રકારનું પેમેન્ટ, બિલ કે ડિપોઝિટ તાત્કાલિક અસરથી રોકી દેવા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરાઈ છે. જો ચૂકવણું કરાશે તો ન્યાયપાલિકાના દ્વાર ખખડાવવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.