યાત્રાધામ વીરપુરમાં જલારામ બાપાની જગ્યા તરફથી ધર્મશાળા તરફ જતો તેમજ રેલવે સ્ટેશનને જોડતો રોડ, જેને તાજેતરમાં સ્વ. વેલજીભાઈ સરવૈયા માર્ગ નામ અપાયું હતું, તે રોડ અતિ બિસમાર બની ગયો હતો. ખાડા-ખબડાં અને ડામર ઉખડી જવાથી મોટા ખાડાઓ પડતાં યાત્રાધામના પ્રજાજનો અને દેશ-વિદેશથી આવતા ભાવિકોને અવારનવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો.
રસ્તાની ખરાબ હાલતને કારણે યાત્રાળુઓના બાઇક સ્લીપ થવાના અને અકસ્માતના બનાવો બન્યા હતા. આ મુદ્દે વીરપુરના ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજના પ્રમુખ જગદીશભાઈ સરવૈયા, ગોરધનભાઈ ધામેલીયા, જનકભાઈ ડોબરીયા તેમજ સરપંચ રમેશભાઈ સરવૈયાએ ધારાસભ્ય જયેશ રાદડીયાને અનેકવાર રજૂઆત કરી હતી.
સરકાર દ્વારા આ રોડ માટે ગ્રાન્ટ ફાળવતાં હવે નજીકના ભવિષ્યમાં 1.50 કરોડના ખર્ચે 7.5 મીટર પહોળો સીસી રોડ બનશે, જેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે.
800 મીટર લાંબો નવો રોડ બનશે અશોક ચોકથી જલારામ બાપાની ધર્મશાળા તેમજ રેલવે સ્ટેશન તરફનો નવો સીસી રોડ 800 મીટર લંબાઈ અને 7.5 મીટર પહોળાઈ સાથે 150 એમએમ ઉંડાઈમાં બનાવવામાં આવશે. આ રોડ તૈયાર થતા દેશ-વિદેશથી આવતા યાત્રાળુઓને સુવિધા મળશે અને ગ્રામજનોને અગાઉની મુશ્કેલીઓથી મુક્તિ મળશે.નવા રોડના નિર્માણને લઈને યાત્રાળુઓ અને ગ્રામજનોમાં ખુશીની લાગણી પ્રસરી છે.