ગાયકવાડી વિસ્તારમાં વીજ કર્મચારીએ ચાર મહિનાથી વીજબિલ ભરાયું નહોતું તે મકાનનું વીજ કનેક્શન કટ કરી નાખતા તે મકાન માલિકના સંબંધીએ કચેરીએ જઇ નાયબ એન્જિનિયરને ધક્કો મારી ગાળો ભાંડી ધમકી આપી હતી. પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી હતી.
પીજીવીસીએલમાં નાયબ એન્જિનિયર તરીકે ફરજ બજાવતાં કલ્પેશભાઇ ભગવાનજીભાઇ કાનાણી (ઉ.વ.40)એ પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ગાયકવાડીના નાગેશસિંહ ચૌહાણનું નામ આપ્યું હતું. કલ્પેશભાઇ કાનાણીએ ફરિયાદમાં જણવ્યું હતું કે, રવિવારે સવારે તેમની ટીમ ગાયકવાડી વિસ્તારમાં જેનું બિલ ભરાયું ન હોય તેવી મિલકતોના વીજ કનેક્શન કટ કરવાની કામગીરી કરી રહી હતી, ગાયકવાડી 3માં આવેલા વિમલાદેવી ચૌહાણની માલિકીના મકાનનું ચાર મહિનાનું બિલ ભરાયું ન હોવાથી વીજ કર્મચારીઓ ત્યાં ગયા હતા અને મકાનનો દરવાજો ખટખટાવ્યો હતો, પરંતુ અંદરથી કોઇએ નહીં ખોલતાં કર્મચારીએ વીજપોલ પર ચડી તે મકાનનું કનેક્શન કટ કરી નાખ્યું હતું.
થોડીવાર બાદ આ બાબતે નાગેશસિંહ ચૌહાણે ફોન કરી નાયબ એન્જિનિયર કલ્પેશભાઇ કાનાણી સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી અને ત્યારબાદ નાગેશસિંહ ધરમ સિનેમા પાસે આવેલી બેડીનાકા સબ ડિવિઝન કચેરીએ જઇ ત્યાં હાજર કર્મચારીઓ સાથે ઉધ્ધતાઇ કરી હતી અને ઓફિસમાં ઘૂસી કલ્પેશભાઇ કાનાણીને ધક્કો માર્યો હતો અને કનેક્શન જોડી દે નહિતર સારાવટ નહી રહે તેવી ધમકી આપી હતી.