ગુજરાતના વીજ ક્ષેત્રમાં ખાનગીકરણનો મુદ્દો ફરી ગરમાયો છે. PGVCL દ્વારા ‘ફોલ્ટ સેન્ટર’ના ખાનગીકરણના નિર્ણય સામે ગુજરાત વિદ્યુત ટેક્નિકલ કર્મચારી મંડળ (GVTKM) એ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. મંડળે PGVCLના મેનેજિંગ ડિરેક્ટરને લખેલા પત્રમાં આ નિર્ણયને તાત્કાલિક મોકૂફ રાખવાની માંગ કરી છે, અન્યથા તંત્ર સામે ‘અસહકાર’નું આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારી છે.
મંડળે ખાનગીકરણના આ નિર્ણય સામે અનેક ગંભીર મુદ્દાઓ ઉઠાવ્યા છે જેમાં જણાવ્યું છે કે, હાલમાં MGVCL માં FRT (ફર્સ્ટ રિસ્પોન્સ ટીમ) નું કામ ખાનગી એજન્સી દ્વારા થઈ રહ્યું છે. આ એજન્સીના કર્મચારીઓ લાઈનકામના અનુભવી નથી, અને કોઈ તાલીમ ધરાવતા નથી. જેના કારણે અસંખ્ય જીવલેણ અકસ્માતો થયા છે. મંડળે ચેતવણી આપી છે કે, બિન-તાલીમબદ્ધ ખાનગી કંપનીના કર્મચારીઓને સીધું નેટવર્કનું કામ અપાશે તો અકસ્માતોની સંખ્યા વધશે છે. બિનઅનુભવી ખાનગી કર્મચારીઓ દ્વારા થતા અકસ્માતોમાં જવાબદારી કોની રહેશે તે સ્પષ્ટ નથી. કંપનીના સુપરવાઈઝર પર દોષનો ટોપલો ઢોળી દેવાશે તો ઉગ્ર વિરોધની ચીમકી અપાઈ છે.
ફોલ્ટ સેન્ટર એ વીજગ્રાહકો માટે કંપની સાથે સંપર્ક કરવાનો મુખ્ય માર્ગ છે. જો બિનઅનુભવી ખાનગી કંપનીના કર્મચારીઓને ત્યાં બેસાડાશે અને ગ્રાહકોને સચોટ માહિતી નહીં મળે તો કંપનીની છબી ખરડાઈ શકે છે. આ રજૂઆત સાથે મંડળે સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે, જો ખાનગી એજન્સીની કામગીરીથી કંપનીના કાયમી અધિકારીઓ-કર્મચારીઓને નુકસાન થશે તો નાછૂટકે ‘અસહકાર’નું આંદોલન કરવાની ફરજ પડશે, જેની તમામ જવાબદારી વહીવટી તંત્રની રહેશે.