રાજકોટ સહિત સૌરાષ્ટ્રના મોટાભાગના સર્કલોમાં હવે પીજીવીસીએલએ વીજફોલ્ટ નિવારવા માટે ટાવર લેડર જેવા જ આધુનિક વાહનનો જ ઉપયોગ કરવા માટેનું ટેન્ડર તાજેતરમાં જ પ્રસિદ્ધ કર્યું છે. આવું કરવાથી પીજીવીસીએલના ફોલ્ટ સેન્ટરના સ્ટાફ અને અન્ય લાઈન સ્ટાફને પણ વીજફોલ્ટ રિપેર કરવામાં સરળતા રહેશે ને ગ્રાહકોની સમસ્યા સમયસર નિવારી શકાશે. અગાઉ દરવાજા વિનાની ખાનગી કાર મૂકી પરંતુ બંધ પડી ગઈ હતી, વીજ કર્મચારીઓએ ધક્કા મારવા પડ્યા હતા અને બાદમાં તેમાંથી ધુમાડા નીકળતા વિવાદ થયો હતો.
પશ્ચિમ ગુજરાત વીજકંપની લિમિટેડ (PGVCL) એ તેના વીજફોલ્ટ રિપેરિંગના કામમાં ઝડપ અને કાર્યક્ષમતા લાવવા માટે એક મહત્ત્વનો ફેરફાર કર્યો છે. કંપનીએ હવે કોન્ટ્રાક્ટના ધોરણે ટાવર લેડર વાહનોના બદલે હાઇડ્રોલિક એલિવેટેડ પ્લેટફોર્મ સાથેના બોલેરો કેમ્પર અથવા તેના સમકક્ષ વાહનોને ભાડે રાખવાની મંજૂરી આપી છે. નવા દરોમાં ગ્રામ્ય સબ-ડિવિઝન માટે દર મહિને 3000 કિલોમીટરની મર્યાદા નક્કી કરવામાં આવી છે, જે શહેરી વિસ્તારો કરતાં વધુ છે. આ નિર્ણય PGVCLના ભાવનગર ઝોનલ ઓફિસ, અંજાર ACE ઓફિસ અને રાજકોટ સિટી/રૂરલ, મોરબી, પોરબંદર, જામનગર, જૂનાગઢ, ભુજ, ભાવનગર, અમરેલી, સુરેન્દ્રનગર અને બોટાદ સર્કલ ઓફિસના અધિક્ષક ઇજનેરોને જાણ કરવા માટે મોકલવામાં આવ્યો છે.
અગાઉ રાજકોટ રૂરલના શાપર-વેરાવળ સબ ડિવિઝનમાં વીજફોલ્ટનું નિવારણ કરવા માટે ટાવર લેડરવાળી જીપને બદલે ખાનગી માલિકીની ઈકો ગાડી દોડાવવામાંઆવી હતી. તાજેતરમાં જ PGVCLની ડ્યૂટી દરમિયાન આ જ ઈકો ગાડી રસ્તામાં ત્રણ વખત બંધ પડી હતી અને ચોથી વાર તેમાંથી ધુમાડા નીકળવા લાગતા કર્મચારીઓના જીવ તાળવે ચોટી ગયા હતા.