વીંછિયાના સેવાસદન રોડ પર વર્ષોથી ખડકાયેલાં દબાણોને કારણે માર્ગો સાંકડા થઇ જવાથી સર્જાતી ટ્રાફિક સમસ્યાની વધતી જતી ફરિયાદોના પગલે માર્ગ અને મકાન વિભાગ તથા મામલતદાર તંત્રે સંયુક્ત રીતે સતત બે દિવસ મેગા ઓપરેશન ડિમોલિશન હાથ ધર્યું હતું અને રસ્તા પર ખડકાયેલા 35 જેટલા દબાણો પર બુલડોઝર ફેરવી દઇ સાંકડા બની ગયેલા માર્ગોને પહોળા કર્યા હતા અને અંદાજે રૂ.7 કરોડની જમીન ખુલ્લી કરાવાઇ હતી.
સર્કલ ઓફિસર જે.આઇ.ખંભાળાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, વીંછિયામાં છેલ્લા 15 થી 20 વર્ષથી સેવા સદન રોડ પર કોમર્શિયલ દબાણો ખડકાઇ ગયા હતા અને માર્ગ અને મકાન વિભાગના નિયમ વિરુધ્ધ વેપારીઓએ પોતાની કેબિનો, દુકાનો અને ઓટલા માર્ગો પર ખડકી દીધા હતા અને તેના પરિણામે માર્ગો સાંકડા થઇ ગયાની અને ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોવાની ફરિયાદો ઉઠી હતી.