રાજકોટના જામનગર રોડ પર રત્નમ વિલામાં રહેતા અને વીંછિયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર (ASI) સુખદેવસિંહ ભગવતસિંહ ઝાલાએ એક પત્ની હયાત હોવા છતાં છૂટાછેડા લીધા વગર ત્રણ વર્ષ પહેલાં બીજા લગ્ન કરી લીધા હોવાનો આક્ષેપ તેમની શિક્ષિકા પત્નીએ કર્યો છે. આ મામલે મહિલા પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી હોવા છતાં પોલીસે હાલ માત્ર અરજી લઈને નિવેદન નોંધ્યું છે અને ફરિયાદ નોંધવા માટે લાંબી પ્રક્રિયા હોવાનો દાવો કર્યો હોવાથી પોલીસની કામગીરી સામે સવાલો ઊભા થયા છે.
રાજકોટના રેલનગર વિસ્તારમાં શિવાલય ચોક પાસે સનરાઇઝ રેસિડેન્સી–1, બ્લોક નં.28માં ‘ઇલાદેવ’ ખાતે રહેતા ઇલાબા સુખદેવસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, તેઓ ખાનગી શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. તેમના લગ્ન સુખદેવસિંહ ભગવતસિંહ ઝાલા સાથે તા. 11-6-2011ના રોજ થયા હતા અને લગ્નજીવનથી સવા પાંચ વર્ષની એક પુત્રી છે.
ઇલાબાના જણાવ્યા મુજબ તેમના પતિ અગાઉ શાપર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા ત્યારે ગીતા ગોસ્વામી નામની મહિલાની સાથે પરિચય થયો હતો અને ત્યારબાદ બંને વચ્ચે સંબંધ બંધાયો હતો. ત્રણ વર્ષ પહેલાં બંનેએ લગ્ન કરી લીધા હોવાનો આરોપ છે. આ અંગેના ફોટા સોશિયલ મીડિયામાં પણ મુકાયા હોવાનું તેમજ હાલમાં સુખદેવસિંહ ઝાલા અને ગીતા ગોસ્વામી રાજકોટના રત્નમ વિલામાં સાથે રહેતા હોવાનો દાવો ફરિયાદીએ કર્યો છે.
ફરિયાદી પત્નીએ વધુમાં જણાવ્યું હતું કે, જે મકાનમાં બંને રહે છે તે મકાન તેમના નામે છે. બંને અવારનવાર બહારગામ જઈ હોટેલોમાં પોતાનો ઉલ્લેખ પતિ–પત્ની તરીકે કરે છે તેમજ ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ પર રીલ્સ બનાવી મૂકતા હોવાનો પણ આક્ષેપ કર્યો છે. આ અંગેના પુરાવા પેન ડ્રાઈવમાં હોવાનો દાવો પણ તેમણે કર્યો છે.
છેલ્લા દોઢથી બે વર્ષથી તેઓ ફરિયાદ નોંધાવવા માટે પોલીસ સ્ટેશનના ધક્કા ખાઈ રહ્યા છે. પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં જતાં તેમને જંક્શન ચોકીમાં મોકલવામાં આવે છે અને ત્યાંથી મહિલા પોલીસ સ્ટેશનમાં મોકલવામાં આવે છે. લાંબા સમય બાદ હવે મહિલા પોલીસ સ્ટેશનમાં તેમની અરજી લેવામાં આવી છે.