શહેરમાં છેલ્લા 38 વર્ષથી જનજાગૃતિનું કાર્ય કરતી એઈડ્સ પ્રિવેન્શન ક્લબ દ્વારા તા.1 ડિસેમ્બરના રોજ વિશ્વ એઈડ્સ દિવસ હોવાથી રેડ રિબન, માનવ સાંકળ, સેમિનાર સહિતના વિવિધ કાર્યક્રમો યોજાશે. જેમાં આ વર્ષે ‘વિક્ષેપ પર કાબૂ મેળવવો, એઇડ્સ પ્રતિભાવનું પરિવર્તન કરવું’ સૂત્ર છે. દર વર્ષ સંસ્થા એક મહિના આ કાર્યક્મ કરતી હોય જે આ વખતે આગામી ચાર માસ, માર્ચ 2026 સુધી શાળા કોલેજ અને વિવિધ સંસ્થાઓમાં કાર્યક્રમ આયોજન થશે.
આ તકે તા.29મીએ શનિવારે સવારે 9 વાગ્યે વિરાણી સ્કૂલમાં 1500 વિદ્યાર્થી વિશાળ રેડ રિબન બનાવશે તથા સોમવારે શહેર જિલ્લાની તમામ શાળાઓમાં છાત્રો રેડ રિબન નિર્માણ કરશે. વિશ્વ એઈડ્સ દિવસે સોમવારે સવારે 9:30 વાગ્યે લોક વિજ્ઞાન કેન્દ્ર રેસકોર્સના સામેના ગ્રાઉન્ડમાં માનવ સાંકળ રચવામાં આવશે, જેમાં રાજકોટ હોમિયોપેથિક કોલેજ, ખાનગી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ, ડોક્ટરો અને વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓ જોડાશે. આ ઉપરાંત આ જ દિવસે જિલ્લા શિક્ષણ અધિકારીના સહયોગથી જિલ્લાની તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓ રેડ રિબન બનાવશે.
આજ દિવસે બપોરે 2:30 વાગ્યે એલ.આર.શાહ હોમિયોપેથિક કોલેજ ખાતે સેમિનાર યોજાશે જેમાં સાંજે 5 વાગ્યે લાઇક બ્લડ સેન્ટર, રેસકોર્સ રોડ ખાતે આ અંગે માર્ગદર્શન આપી 500 લાલ ફુગ્ગાની મોટી રેડ રિબન હવામાં તરતી મુકાશે. તા.2ને મંગળવારે સવારે 9:30 વાગ્યે જી.ટી. શેઠ સ્કૂલ કે.કે.વી ચોક ખાતે રેડ રિબન બનાવાશે, આજ દિવસે બપોરે 2:30 વાગ્યે જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ખાતે ભાવિ શિક્ષકો માટે સેમિનાર યોજાશે. તા.3ને બુધવારે સવારે 10 વાગ્યે ઠાકોર મૂળવાજી વિનિયન કોલેજ કોટડાસાંગાણી સરકારી કોલેજ ખાતે સેમિનાર યોજવામાં આવેલ છે તથા 1000 કેન્ડલની ઝગમગતી રેડ રિબન પંચશીલ સ્કૂલ ખાતે બનાવવામાં આવશે.