લવ-જેહાદ દ્વારા યુવતીઓને પોતાનો ધર્મ છોડીને તેમના ધર્મને જ સર્વોચ્ચ માનવાનું શીખવવામાં આવે છે. આ જ ઘટનાને આધારિત બોલિવૂડમાં ‘ધ કેરાલા સ્ટોરી’ નામની ફિલ્મ પણ બનાવવામાં આવી હતી, જે એક સત્ય ઘટના પર આધારિત ફિલ્મ હતી. આ ફિલ્મમાં જેની કહાની દર્શાવવામાં આવી છે તેમાંની કેરળની ચાર યુવતીને આજે વિશ્વ ઉમિયાધામ ફાઉન્ડેશને બોલાવી હતી. આ યુવતીઓની આપવીતીથી પાટીદાર સમાજની દીકરીઓ આ ષડયંત્રથી દૂર રહે એવો મેસેજ જાય એવો ઉદ્દેશ વિશ્વ ઉમિયાધામ ફાઉન્ડેશનનો હતો. જેહાદની શિકાર બનેલી કેરળની શ્રુતિ નામની યુવતીએ જણાવ્યું હતું કે હું એટલી જેહાદી બની ગઈ કે મારી મા પર હાથ ઉપાડ્યો હતો. જ્યારે અન્ય એક વૈશાલી શેટ્ટીએ જણાવ્યું હતું કે ધીમે ધીમે હું આ જેહાદના ષડયંત્રમાં ફસાતી ગઈ હતી.
મારું 11 વર્ષ પહેલાં બ્રેનવોશ કરવામાં આવ્યું
જેહાદની શિકાર બનેલી શ્રુતિએ તેમના અનુભવો જણાવતાં કહ્યું હતું કે મારું 11 વર્ષ પહેલાં બ્રેનવોશ કરવામાં આવ્યું હતું અને એ એટલી હદ સુધી હતું કે મેં કાયદાકીય રીતે કબૂલ કર્યું હતું અને ધર્માંતરણ કરીને સંપૂર્ણ જેહાદી બની ગઈ હતી. મેં મારું નામ પણ બદલી નાખ્યું હતું, પરંતુ આ લવ-જેહાદ નહોતું. બાળકોમાં સનાતન ધર્મ પ્રત્યે જ્ઞાનનો અભાવ ધર્માંતરણનું સૌથી મોટું કારણ છે. મારી સાથે આ ઘટના બની હતી, કારણ કે સનાતન ધર્મ વિશે ફક્ત ટેલિવિઝનમાં બતાવે એટલું જ જાણતી હતી. કોલેજમાં એડમિશન લીધા બાદ ત્યાં મોટા ભાગે વિધર્મી વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા. તેમના દ્વારા જ્યારે સનાતન ધર્મ વિશે પ્રશ્ન કરવામાં આવે તો હું ઉત્તર આપવામાં સક્ષમ નહોતી, આથી તેમના દ્વારા પોતાના ધર્મને સર્વોચ્ચ ગણાવતા હતા. આ ઉપરાંત સનાતન ધર્મ વિશે પૂરતી જાણકારી ન હોવાને કારણે તેમની વાતોમાં આવી ગઈ હતી. ત્યાર બાદ ઘરમાં પણ માતા-પિતા અને ભાઈઓ સાથે મારો વ્યવહાર બદલાઈ ગયો હતો.