રાજકોટ શહેર-જિલ્લામાંથી બેન્કમાંથી લોન લીધા બાદ હપ્તા નહીં ભરતા આસામીઓ સામે જિલ્લા કલેક્ટર દ્વારા સરફેસી એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે. આવા જ એક કિસ્સામાં રાજકોટ શહેરના કુવાડવા રોડ પર આવેલી લાઇફ કેર મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલના માલિક વિવાદાસ્પદ તબીબ ડો.શ્યામ રાજાણીએ આઇડીએફસી બેન્કમાંથી તેમના માતાના નામે લોન લીધા બાદ ચડત હપ્તા નહીં ભરતા રૂ.51 લાખની લોન વસૂલાત માટે પૂર્વ મામલતદાર સહિતના સ્ટાફે તેમની લાઇફ કેર હોસ્પિટલ જપ્ત કરી તેનો કબજો બેન્કને સોંપી દીધો છે.
રાજકોટના કુવાડવા રોડ પર આવેલી લાઇફ કેર મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ ચલાવતા ડો.શ્યામ રાજાણીએ તેમની માતા ભારતીબેન હેમંતભાઇ રાજાણીના નામે આઇડીએફસી બેન્કમાંથી લોન લીધી હતી અને બાદમાં તેના હપ્તા નહીં ભરતા બેન્કના સત્તાધીશોએ તેમને ચડત હપ્તા વ્યાજ સહિત ભરપાઇ કરી દેવા નોટિસ ઇસ્યૂ કરવામાં આવી હતી. આમ છતાં ડો.શ્યામ રાજાણીએ લોનના હપ્તા નહીં ભરતા રાજકોટ જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ બેન્કના સત્તાધીશોએ સરફેસી એક્ટ હેઠળ કાર્યવાહી માટે દાવો કર્યો હતો જેમાં જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીએ મિલકત જપ્તીનો હુકમ કરતા પૂર્વ મામલતદાર ચાવડા, નાયબ મામલતદાર મલેક સહિતના સ્ટાફે બેન્કના અધિકારીઓને સાથે રાખી લાઇફ કેર મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલને સીલ મારી જપ્ત કરી લીધી હતી અને તેનો કબજો બેન્કને સોંપી દીધો હતો.