વિરાણી હાઈસ્કૂલમાં થર્ટી ફર્સ્ટની અનોખી ઊજવણી

રાજકોટની વિરાણી હાઈસ્કૂલનાં વિદ્યાથીઓએ એક અલગ અંદાજમાં 31 ડિસેમ્બરની માનવીય અભિગમ સાથે ઉજવણી કરી છે. જેમાં સેવાની હૂંફ અંતર્ગત સ્કૂલના ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓએ પોતાના ઘરેથી તેમજ આસપાસના વિસ્તારમાંથી સારા, પહેરવાલાયક વસ્ત્રો એકઠા કર્યા હતા અને કુલ 20,238 વસ્ત્રો સ્કૂલમાં અર્પણ કર્યા હતા. જેમાં સ્વેટર, જેકેટ, ટોપી, મફલર, સાલ, ધાબળા જેવા ગરમ વસ્ત્રો તથા અન્ય વસ્ત્રો જેવા કે પેન્ટ, શર્ટ, સાડી, ડ્રેસનો સમાવેશ થાય છે.

આ વસ્ત્રો સ્વામિનારાયણ ગુરુકુળ, ગોંડલ રોંડ-રાજકોટના સહયોગથી રાજકોટ શહેરની ઝૂપડપટ્ટી જેવી કે લક્ષ્મીનગર, રૈયાધાર, લોહાનગર, આજીડેમ, જંકશન, માધાપર, માર્કેટીગ યાર્ડ, 80 ફૂટ રોડ, મોરબી રોડ વગેરેમાં જરૂરિયાત મંદ લોકોને અર્પણ ક૨વામાં આવશે. આજે યુવાધન પશ્વિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ કરી ડાન્સ અને વાઈન પાછળ મબલખ ખર્ચ કરે છે, ત્યારે વિરાણી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓનું સામાજિક સેવાનું આ કાર્ય તેમના માટે પ્રેરણારૂપ છે.

સ્કૂલના આચાર્ય હરેન્દ્રસિંહ ડોડીયાએ જણાવ્યું હતું કે, આજે માનવી જ્યારે સ્વાર્થી, સ્વચ્છનંદી, સ્વકેન્દ્રી બની રહ્યો છે, ત્યારે 13થી 17 વર્ષના આ વિદ્યાર્થીઓએ સમાજ માટે પોતાનું યોગદાન પુરૂ પાડી પાર્ટીમાં બેફામ ખર્ચ ક૨તા નબીરાઓ તથા અન્ય માટે અનુકરણીય ઉદાહરણ પૂરૂ પાડયું છે. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી. આ પ્રસંગે રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુળનાં સંતો જ્ઞાનજીવનદાસજી તથા પૂજ્ય હરીવત્સલ સ્વામી, શિક્ષણ સમિતિના ચેરમેન વિક્રમ પુજારા, સંચાલક પરેશ ઠાકર, ચિરાગ ધામેચા, જાણીતા શિક્ષણવિદ સુનીલ સોલંકી, આચાર્ય હરેન્દ્રસિંહ ડોડીયા તેમજ સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ બહોળી સંખ્યામાં સહકાર આપી 31 ડિસેમ્બરની ઉજવણી કરી હતી. આ ઉપરાંત કોમર્સના વિદ્યાર્થીઓએ પોતાના પોકેટ મનીમાંથી અંધજન કલ્યાણ મંડળ સંચાલિત રસોડામાં 80 પ્રજ્ઞાચક્ષુઓને એક દિવસનું ભોજન આપ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *