વિરાણી સ્કૂલની જગ્યા વેચી કે ભાડે આપી શકાશે નહીં

રાજકોટના ટાગોર રોડ પર આવેલી ખ્યાતનામ વિરાણી હાઇસ્કૂલની જમીન વેચાણ મામલે બે વર્ષથી ચાલતા વિવાદમાં સોમવારે પ્રાંત અધિકારી ચાંદની પરમારે ટ્રસ્ટીઓને લપડાકસમો સીમાચિહનરૂપ ચુકાદો આપ્યો હતો. સરકાર વિરુધ્ધ શ્રી શામજી વેલજી વિરાણી ટ્રસ્ટ કે/ઓ. શામજી વેલજી વિરાણી હાઇસ્કૂલના કેસમાં પ્રાંત અધિકારીએ ઠરાવ્યું હતું કે, સરકાર દ્વારા ફાળવેલી સરકારી જમીનનું કલેક્ટરની મંજૂરી વગર વેચાણ કરી શકાશે નહીં. તેમજ જમીનની મૂળ શરત મુજબ જમીનનો કોઇપણ ભાગ ભાડે આપી શકાશે નહીં તેમજ કોઇપણ જાતનો નફો મેળવી શકાશે નહીં.

રાજકોટની વિરાણી હાઇસ્કૂલનો જમીન વેચાણનો કેસ સૌપ્રથમ કલેક્ટર તંત્ર સમક્ષ ગયો હતો જેમાં પુરુષોત્તમ પીપળિયા અને અન્ય વિદ્યાર્થીઓએ વાંધો લઇને કલેક્ટર સમક્ષ દાવો કર્યો હતો. ત્યારબાદ કલેક્ટરે વિદ્યાર્થીઓ વતી થયેલી રજૂઆતો સાંભળીને જમીનની વેચાણ પ્રક્રિયા રદ કરી હતી. બીજીબાજુ વિદ્યાર્થીઓએ જમીનની ખાનગી નોંધ રદ કરવા પ્રાંત અધિકારી સમક્ષ અપીલ કરી હતી. દરમિયાનમાં સિટી સર્વે સુપ્રિટેન્ડન્ટે સરકાર કે કલેક્ટર દ્વારા વિરાણી હાઇસ્કૂલને ફાળવેલી જમીનની મૂળ શરતોની વિગતો ધ્યાને રાખ્યા વગર જ આ જમીન શામજી વેલજી વિરાણી ટ્રસ્ટીની માલિકીની હોવાનું અને સત્તાપ્રકાર સી ગણી આપવા કરેલી કાર્યવાહી મૂળથી જ નિયમ વિરુધ્ધની હોવાનું ધ્યાનમાં આવતા નોટિસ આપ્યા બાદ આ કેસનો આખરી નિકાલ ન આવે ત્યાં સુધી વચગાળાનો મનાઇ હુકમ ફરમાવવામાં આવ્યો હતો. જેની સામે પ્રતિવાદીઓએ હાઇકોર્ટમાં દોડી જતા કોર્ટના ઓરલ ઓર્ડર ડાયરેક્શનને ધ્યાને લઇ તા.10-8-2023, 18-08-2023, 6-11-2024, 26-11-2024 અને 30-11-2024ના રોજ સુનાવણી હાથ ધરવામાં આવી હતી અને મુદ્દતે સ્કૂલના ટ્રસ્ટીઓને સાંભળીને તેમની લેખિત તથા મૌખિક રજૂઆતો લેવામાં આવી હતી ત્યારબાદ પ્રાંત અધિકારી ચાંદની પરમારે રસ્તા પૈકીની જમીનના ત્રણ હિસ્સાઓમાં સત્તા જી કેટેગરી યથાવત રાખવાનો ચુકાદો આપ્યો હતો, આ હુકમથી સામાવાળા નારાજ હોય તો 60 દિવસમાં કલેકટર સમક્ષ રિવિઝન કરી શકશે તેમ ચુકાદામાં જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *