અષાઢી બીજની રવિવારે રાજ્યભરમાં ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. લોધિકાના વિરવા ગામે તથા ગોંડલમાં અષાઢી બીજે મંદિરમાં ધ્વજા ચડાવતી વખતે દુર્ઘટના સર્જાઇ હતી. વિરવામાં વીજકરંટથી યુવકનું મૃત્યુ થયું હતું, તો ગોંડલમાં વીજકરંટથી બે યુવક દાઝી જતાં બંનેને રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયા હતા. લોધિકાના વિરવા ગામે બાપા સીતારામ મંદિરે અષાઢી બીજ નિમિત્તે અનેકવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા. મંદિરે ધ્વજા ચડાવવાની વિધિનો પ્રારંભ થયો હતો. વિરવાના જ ભરતભાઇ કડવાભાઇ ખૂંટ (ઉ.વ.41) સહિતના યુવકો ધ્વજા ચડાવી રહ્યા હતા ત્યારે ભરતભાઇ ખૂંટને જોરદાર વીજકરંટ લાગતાં તે ફંગોળાયા હતા અને તેમનું મૃત્યુ થયું હતું. ઘટનાને પગલે લોધિકા પોલીસ દોડી ગઇ હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, ભરતભાઇ બે ભાઇ અને ત્રણ બહેનમાં નાના હતા અને તેમને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. યુવાન પુત્રનાં મોતથી ખૂંટ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.