રાજકોટ જિલ્લાના જેતપુરના ઉમરાળી ગામમાં નવરાત્રિના પાવન પર્વમાં ખોડિયાર માતાજીના મંદિરમાંથી ચોરી કરનાર બેલડીને રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે ઝડપી પાડી રોકડ અને મોબાઈલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસમાં આરોપી આકાશ ઉનડકટની પત્ની ગર્ભવતી હોય તેમની સારવારના ખર્ચા માટે નાના ભાઈ સાથે મળી સવારે રેકી કરી સાંજે અંજામ ચોરીને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે.
ઉમરાળી ગામના કેતનભાઈ ટીંબડીયએ ફરિયાદ નોંધાવી જેતપુરના ઉમરાળી ગામમાં રહેતાં કેતનભાઈ કુરજીભાઇ ટીંબડીયા (ઉ.વ.38)એ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા ચાર વર્ષથી ઉમરાળી ગામના સરપંચ તરીકે ફરજ બજાવે છે. ગઇ તા.28.9.2025ના સવારના 7 વાગ્યે ફોન જોયેલ તો ગામની સીમમાં આવેલ ગાળા વાળી ખોડિયાર મંદિરના પુજારી પરસોતમદાસ બાપુનો ફોન આવ્યો હતો કે, હું સવારે આરતી કરવા માટે ખોડિયાર મંદિરમાં ગયો તો મંદિરમાં રહેલ દાન પેટીઓની કોઈ ચોરી કરીને લઇ ગયું છે તે બન્ને પેટીમાં આશરે 4000 રૂપિયા જેટલી રોકડ રકમ હતી. આ પછી તેઓ અને ગામના આગેવાન અનિલસિંહ પરમાર ખોડિયાર મંદિરે ગયા તો ત્યાં દાન પેટીઓ જોવા મળી ન હતી.
ગામના અન્ય આગેવાન આવી અને બધાએ મંદિરના સી.સી.ટી.વી. કેમેરાના ફૂટેજ જોતા તા.28.9.2025ના મોડી રાત્રે 3.56 વાગ્યે બે માણસો મંદિરમાં પ્રવેશ કરીને આમ તેમ જોઈ આંટા મારી મંદિરમાં રહેલ દાન પેટી ઉપાડીને લઈ જાય છે અને મંદિરની બહારના ભાગે માતાજીના ધૂણા પાસે રહેલ બીજી દાન પેટી રાખેલ હોય તે દાન પેટી પણ જોવા મળી ન હતી તેની પણ કોઇ અજાણ્યા બે માણસો ચોરી કરી લઈ જાય છે, તેવુ કેમેરામાં જોવા મળતા મંદિરની આસપાસ તપાસ કરતા આ મંદિરના સામેના ભાગે આશરે 60 ફૂટ જેટલી દુર બન્ને દાન પેટીઓ જોવા મળી હતી અને બન્ને દાન પેટીના તાળા નકુચા તુટેલી હાલતમાં હતા. આ દાન પેટીમાં આશરે 4,000 જેટલી દાનની રોકડ રકમ હતી તેની કોઈ બે અજાણ્યા શખ્સો રાત્રિના મંદિરમાં પ્રવેશ કરી દાન પેટીઓ મંદિર બહાર લઈ જઈ દાનપેટીના તાળા-નકુચા તોડી ચોરી કરી નાસી છૂટતાં ફરીયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી વિરપુર પોલીસે ગુનો નોંધી તસ્કરોની શોધખોળ હાથ ધરી હતી.