વિદ્યાર્થીઓ વ્યવસાયિક કોર્સમાં જોડાયા

સમયની સાથે હવે આઈટીઆઈ પણ હવે અપગ્રેડ થઇ છે. એક સમયે જ્યાં વાયરમેન સહિતના પ્રાથમિક કોર્સની તાલીમ આપવામાં આવતી હતી ત્યાં હવે આધુનિક ઉપકરણો જેની હાલ ખૂબ ડિમાન્ડ છે એવા સોલાર ટેક્નિશિયન, ડ્રોન ટેક્નોલોજી, ઈલેક્ટ્રિક વાહનના રિપેરિંગ, સ્માર્ટ ફોન રિપેરિંગ ટેક્નિશિયન, સીએનસી ઓપરેટર, મલ્ટિ સ્કિન ટેક્નિશિયન સહિતના જુદા જુદા નવા કોર્સ નવા શરૂ કરવામાં આવતા વિદ્યાર્થીઓ પણ હવે ITI તરફ વળ્યા છે અને હાલ સૌરાષ્ટ્રની 99 આઈટીઆઈમાં 75% જેટલી સીટો ભરાઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે. અહીં માત્ર 8 કે 10 ચોપડી ભણેલા વિદ્યાર્થીઓને આધુનિક તાલીમ આપવામાં આવી રહી છે.

સૌરાષ્ટ્રમાં 99 જેટલી આઈટીઆઈ આવેલી છે જેમાં 39,122 જેટલી સીટ જુદા જુદા કોર્સમાં પ્રવેશ માટે ઉપલબ્ધ છે. રાજકોટ ઉપરાંત જામનગર, જૂનાગઢ, ભાવનગર અને સુરેન્દ્રનગરમાં મહિલાઓ માટે સ્પેશિયલ ITI છે. હાલના સમયમાં તથા ભવિષ્યમાં કોલસા અને પાણીની અછત દિન પ્રતિદિન વધતી જાય છે. આ અપૂર્તતાને કારણે સોલાર એનર્જીની ડિમાન્ડ વધવા ઉપર છે. ત્યારે આઈ.ટી.આઈ, રાજકોટ ખાતે ચાલતા સોલાર ટેક્નિશિયન (ઈલેક્ટ્રિકલ) ટ્રેડની તાલીમ વર્ષ 2023થી ચાલુ થઈ છે. જેમાં તાલીમાર્થીઓને સોલાર સિસ્ટમ માટે વપરાતા સાધનોનું સંપૂર્ણ વાયરિંગ, મેન્ટેનન્સ તથા ઈલેક્ટ્રિકલ બેઝિક વાયરિંગ અને એસેસરીઝ વિશે તાલીમ આપવામાં આવે છે. રાજકોટ જિલ્લામાં પહેલીવાર ગોંડલ અને લોધિકાની આઇટીઆઈમાં ડ્રોન ટેક્નોલોજીનો કોર્સ શરૂ કર્યો છે જેમાં 8 પાસ વિદ્યાર્થીને તાલીમ અપાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *