વિદ્યાર્થીઓને ઘરઆંગણે શુદ્ધ શાકભાજી મળે અને તેઓ પર્યાવરણ તરફ વળે તે માટે રાજકોટમાં નવરંગ નેચર ક્લબ દ્વારા નવી પહેલ કરવામાં આવી છે. ધોરણ 1થી લઇને 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વિવિધ શાકભાજીના અંદાજિત એક લાખ બિયારણના પેકેટ વિનામૂલ્યે અપાયા. આ બિયારણનું વાવેતર કરીને છોડ ઉગવાથી લઇને શાકભાજી આવે ત્યાં સુધીની દૈનિક જે પ્રવૃત્તિની નોંધ કરવાનો ટાસ્ક આપવામાં આવ્યો હતો. ફાયદો એ થયો કે, શુદ્ધ શાકભાજી પણ મળતા થયા અને વિદ્યાર્થીઓ પર્યાવરણ તરફ પણ વળ્યા. આ અભિયાનમાં વિદ્યાર્થીઓની સાથે સાથે તેના માતાપિતા જોડાયા હતા.
નવરંગ નેચર ક્લબના પ્રમુખ વી.ડી.બાલાએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓને બિયારણ-રોપાના વાવેતર માટેની માટી ઉપરાંત જરૂરી તાલીમ આપવામાં આવી હતી. જેમાં સમજણ આપવામાં આવી હતી કે, બીજની જાડાઇ જેટલી માટી તેની ઉપર રાખવી જોઇએ, તો જ બીજ સારી રીતે ઉગી શકે. જો ચીકણી માટી હોય તો તેમાં થોડી રેતી ભેળવવી જોઇએ. બિયારણના વાવેતર બાદ અંદાજિત 50થી 60 દિવસમાં ઉત્પાદન મળતું હોય છે.