શ્રાવણ મહિનામાં ઘણા મહત્વપૂર્ણ તહેવારો આવે છે જેમાંથી રક્ષાબંધન પણ એક છે આ વખતે 19 ઓગસ્ટના રોજ રક્ષાબંધનના તહેવારની ઉજવણી કરવામાં આવશે. ત્યારે રક્ષાબંધનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. આ વખતે રક્ષાબંધન અને સ્વતંત્રતા દિવસ વચ્ચે ફક્ત દિવસનો અંતર છે ત્યારે ગોંડલમાં બંને તહેવારોની ઉજવણીનો માહોલ જામ્યો છે.
ગોંડલની જય સરદાર શૈક્ષણિક સંકુલ (વેલજીદાદાની છાત્રાલય)ના ધોરણ 5થી 10ના વિદ્યાર્થીઓ દ્વારા રક્ષાબંધનનો તહેવાર નજીક હોય તેને અનુલક્ષીને સંકુલના 500 વિદ્યાર્થીઓએ બે કલાકની મહેનત કરીને રાખડી બનાવી છે. વિદ્યાર્થીઓ દ્વારા ત્રિરંગા કલર, મહાદેવના ચિત્રવાળી તેમજ સ્વતંત્ર પર્વના અવનવા સિમ્બોલવાળી રાખડી બનાવવામાં આવી છે. આ રાખડી બનાવી મેક ઈન ઈન્ડિયા, સ્વચ્છ ભારત, સ્વદેશી બનાવટ વગેરેના સૂત્રને વિદ્યાર્થીઓ દ્વારા સાર્થક કરવામાં આવ્યું હતું.