વિદેશ જવાની ઘેલછામાં લોકો છેતરપિંડીનો ભોગ બનતા હોવાની અનેક ઘટનાઓ સામે આવી છે. આવી જ વધુ એક ઘટના રાજકોટ શહેરમાં સામે આવી છે. જેમાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદમાં વર્ક પરમીટના બહાને 55 નોકરી વાંચ્છુકો સાથે કુલ 2.68 કરોડની છેતરપિંડી બેંગ્લુરુ અને કેરેલાના 3 મળી કુલ 4 શખ્સોએ કરી હોવાનું સામે આવ્યું છે. ઉમેદવારો દ્વારા યુરોપના સ્લોવાકિયાની વર્ક પરમિટ મેળવવા માટે રૂપિયા આપ્યા હતા, પરંતુ આરોપીઓ દ્વારા વર્ક પરમીટ કઢાવી ન આપતા અંતે મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ફરિયાદી મહિલા કે.એમ.ઈમીગ્રેશન કન્સલટ નામે પેઢી ધરાવે છે મીતલબેન સુરજીવાળા (ઉ.વ.38)એ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે, કે.એમ.ઈમીગ્રેશન કન્સલટ નામે રાજકોટમાં ધ વન વર્લ્ડ બીલ્ડીંગ 150 ફુટ રીંગ રોડ ખાતે ભાડાની ઓફિસ ધરાવી સ્ટુડન્ટ વીઝા, વીઝીટર વીઝા, વર્ક વીઝા કન્સલટન્સીને લગતું કામકાજ કરે છે. આર્મફલાય પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ડાયરેકટર મોહમ્મદ ઉવૈશ કે જેઓ ઇમીગ્રેશન કન્સલટન્ટ તરીકે કામ કરે છે તેમની સાથે તેઓ કામ કરતા હતા અને તેની કંપનીમાં એચ.આર. મેનેજર તરીકે આયશા કામ સંભાળતા હતા.
સ્લોવાકીયા દેશ(યુરોપ)માં વેરહાઉસમાં 100 જગ્યા છે મોહમ્મદ ઉવૈશએ ફરિયાદીને જણાવ્યું હતું કે, તેમની કંપની પાસે સ્લોવાકીયા દેશ(યુરોપ)માં વેરહાઉસમાં ભાઇઓ માટે ડ્રાયફ્રુટ પેકેજીંગ અને બહેનો માટે લેબલીંગ અને સ્કેનીંગનું કામ કરવા માટે કુલ 100 ઉમેદવારોની જગ્યા હોવાનું 27, એપ્રિલ 2024ના રોજ આયશાએ ઇ-મેઇલથી જણાવ્યું હતું. જેમાં એક ઉમેદવાર દિઠ 4.20 લાખ તથા 3 મહિનામાં વિઝા અપાવી દેવાની વાત કરી હતી. આ સાથે એક એમ.ઓ.યુ. પણ મોકલ્યું હતું. જેથી તેના પર વિશ્વાસ આવતા 1 મે, 2024 થી તા. 27, જૂન 2024 દરમિયાન અલગ અલગ કુલ 60 ગ્રાહકોને સ્લોવા કીયા(યુરોપ) દેશમાં વર્ક પરમીટ(વીઝા) પર મોકલવા માટેનું કંપનીને કામ આપ્યું હતું. કંપનીએ એક મહિનામાં કુલ 19 લાખ મોહમ્મદ ઉવૈશના જણાવ્યા મુજબ અલગ અલગ બેંક ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા.