શહેર પોલીસે વિદેશી દારૂ અંગે જુદા જુદા ચાર સ્થળે દરોડા પાડી ચાર શખ્સને ઝડપી લઇ દારૂ તથા વાહનો સહિત કુલ રૂ.9,79,793નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
કુવાડવા રોડ પર ફર્ન હોટેલ નજીકથી કારને રોકી તલાશી લેતા 108 ચપલા દારૂ મળી આવ્યો હતો. પોલીસે દારૂ અને કાર સહિત કુલ રૂ.4,37,548નો મુદ્દામાલ જપ્ત કરી કારચાલક ચંદુ લખમણ ટોપિયાની ધરપકડ કરી હતી. રૈયા રોડ પરથી પોલીસે 51 બોટલ દારૂ ભરેલી કાર સાથે પોલીસે ત્રિલોક પાર્કના મીત મનીષ સાગોટિયાને ઝડપી લીધો હતો. પોલીસે દારૂ અને કાર સહિત કુલ રૂ.3,77,442નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પુનિતનગર મેઇન રોડ પરથી પ્રકાશ ઉર્ફે પકો ભરત બરબચિયા રૂ.200ની કિંમતના એક ચપલા દારૂ સાથે પકડાયો હતો, જ્યારે થોરાળા વિસ્તારમાં કારમાંથી 54 બોટલ દારૂ મળી આવ્યો હતો. પોલીસે દારૂ અને કાર સહિત કુલ રૂ.1,64,603નો મુદ્દામાલ જપ્ત કરી કારચાલક હિતેશ ગોબર ચાવડાની ધરપકડ કરી હતી.