વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરશે પરંતુ ઘણા ઓછા લોકોને ખબર છે કે ત્રિકોણાકારના શેપવાળા આ નવા સંસદ ભવનના તાર મધ્ય પ્રદેશના નાના શહેર વિદિશા સાથે જોડાયેલા છે. નવું સંસદ ભવન દેખાવમાં અદ્દલોઅદલ વિદિશાના વિજય મંદિર જેવું લાગે છે. વિદિશાનું આ મંદિર દેવી ચર્ચિકાનું હતું. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (એએસઆઈ) દ્વારા 1971-72 અને 1973-74માં અહીં ખોદકામ કરવામા આવ્યું હતું જેમાં ઘણા રેકોર્ડ મળ્યાં હતા.
મોગલ રાજા ઔરંગઝેબે 1682ની સાલમાં વિદિશાના આ વિજય મંદિરને તોપના ગોળે ધ્વસ્ત કરી નાખ્યું હતું ત્યાર પછી પણ બીજા આક્રમણકારોની ખોટી નજરમાં તે ચઢી ગયું હતું અને કાળક્રમે તેને તોડતા રહ્યાં હતા પરંતુ દર વખતે કોઈને કોઈ દાતા આગળ આવીને તેનું રિનોવેશ કરાવતા રહ્યાં હતા. અહીંથી મળેલા શિલાલેખો દર્શાવે છે કે તે દેવી ચર્ચિકાનું મંદિર હતું, જેનું નિર્માણ 12મી-13મી સદીમાં કરવામાં આવ્યું હતું. એવું કહેવામાં આવે છે કે ઔરંગઝેબે મંદિરને નષ્ટ કર્યા પછી તેના પથ્થરોથી મસ્જિદ બનાવી હતી.
વિજય મંદિરના વિશાળ સંકુલમાં એક બાવડી પણ હાજર છે. સ્થાનિકોનું માનવું છે કે અહીંનું પાણી ક્યારેય સુકાતું નથી. વળી, તેની ઉંડાઈ અને લંબાઈને લઈને પણ સ્થિતિ સ્પષ્ટ નથી થઈ શકી. એવી પણ માન્યતા છે કે આ બાવડીથી એક રસ્તો એમપીના અન્ય એક પ્રાચીન શહેર રાયસેન તરફ દોરી જાય છે.