વ્હીલર અને ફોર-વ્હીલર વાહનો પર કંપની ફિટિંગ સિવાયની વધુ વોટની વ્હાઈટ LED લાઈટ લગાવાતી હોવાના કારણે અકસ્માતની ઘટનાઓ બની રહી છે. વ્હાઈટ LED લાઈટને લઈ ફરિયાદો વધતાં ગાંધીનગરથી કાર્યવાહીના આદેશ છૂટ્યા છે.
વાહનવ્યવહાર કમિશનર દ્વારા વાહનોમાં ફિટ કરાતી ગેરકાયદે વ્હાઈટ LED સામે કાર્યવાહી માટે પરિપત્ર કરતાં RTOએ કાર્યવાહી શરૂ કરી દીધી છે, પરંતુ હાસ્યાસ્પદ બાબત એ છે કે વાહનમાં LED લાઈટની હાઈ ઇન્ટેન્સિટી (તીવ્રતા) માપવા માટે જે લક્સ મીટર જરૂરી છે એે જ હજી RTO ઓફિસને નથી અપાયાં. એટલે હાલ તો ગાંધીનગરના આદેશનું પાલન કરવા RTOના સ્ટાફે અંદાજ લગાવીને વાહનચાલકોને દંડવાની શરૂઆત કરી દીધી છે. સમગ્ર રાજ્યમાં 1484 વાહનચાલકોને દંડ કરવામાં આવ્યો છે. આ દંડ પેટે 14 લાખ 84000 વસૂલ કરવામાં આવ્યા છે.
છેલ્લા ઘણા સમયથી વાહનોમાં અલગ જ પ્રકારની લાઇટો લગાવવાનો ટ્રેન્ડ શરૂ થઈ ગયો છે. યુવાનો વટ પાડવા માટે ટૂ-વ્હીલર હોય કે ફોર-વ્હીલર તેમાં નિયમ વિરુદ્ધની લાઈટો લગાવી ગાડીઓ ચલાવતા હોય છે. નિયમ વિરુદ્ધ લગાવવામાં આવતી વ્હાઇટ લાઈટના કારણે લોકોની આંખોને ઘણું નુકસાન પહોંચતું હોય છે. વ્હાઈટ બલ્બ લગાવવામાં આવેલાં વાહનોમાંથી તીવ્ર પ્રકાશવાળી લાઈટના કારણે સામેથી અન્ય વાહનચાલકોની આંખો અંજાઈ જતી હોય છે, જેના કારણે અકસ્માતની પણ ઘટના બનતી હોય છે. એને ધ્યાનમાં રાખીને રાજ્ય વાહનવ્યવહાર કમિશનરે વાહનોની ચકાસણી કરી કડક કાર્યવાહી કરવા માટે સૂચના આપી છે. એના કારણે અમદાવાદ, રાજકોટ સહિતનાં શહેરોમાં RTO દ્વારા વ્હાઈટ LED લાઈટ મામલે કાર્યવાહી શરૂ કરી દીધી છે. નવા વાહનોનું વેચાણ કરતા સમયે CMVR( સેન્ટ્રલ મોટર વ્હીલક્લ રૂલ્સ) અંતર્ગત જ લાઇટ લગાવવા માટે RTO અમદાવાદ દ્વારા તમામ ડીલરોને સૂચના આપવામાં આવી છે. જો ડીલરો CMVRનું પાલન નહીં કરે અને નિયમ વિરુદ્ધ વ્હાઇટ લાઇટ લગાવશે તો તેમના સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. જો કોઈ ડીલરો નિયમ વિરુદ્ધ વ્હાઇટ લાઇટ લગાવતાં પકડાશે તો ડીલરશિપ બંધ કરવાની અને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી અમદાવાદ RTO કરશે.