વલસાડ જિલ્લાના નાનાપોંઢા પંથકમાં વાપી-નાસિક સ્ટેટ હાઇવે પર આજે કાળમુખા બનેલા એક બેફામ કન્ટેનર ચાલકે હાઈવે પર મોતનું તાંડવ મચાવતા ચાર વાહનોને ક્રૂરતાપૂર્વક અડફેટે લીધા હતા. આ ભયાનક દુર્ઘટનામાં સામેથી આવી રહેલા અન્ય એક કન્ટેનરના ચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે શ્રેણીબદ્ધ અકસ્માત સર્જનાર ચાલક પોતે પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે.
પોલીસની પ્રાથમિક તપાસના નિષ્કર્ષ મુજબ, મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી 42 વર્ષીય બ્રિજેશકુમાર શ્યામસીંગ કન્ટેનર નંબર GJ-18-BT-4177 લઈને નાનાપોંઢાથી કપરાડા તરફ પૂરપાટ ઝડપે જઈ રહ્યો હતો. આ દરમિયાન માંડવા કુંભઘાટ પાસે આવેલા યાદવ ઢાબા નજીક તેણે અચાનક વાહન પરનો કાબૂ ગુમાવી દેતા અકસ્માતની વણજાર સર્જાઈ હતી
કાબૂ બહાર ગયેલા આ કન્ટેનરે સૌ પ્રથમ માર્ગ પર પસાર થતી પીકઅપ નંબર MH-14-MT-9551 ને જોરદાર ટક્કર મારી પલટી ખવડાવી દીધી હતી. હજુ તો લોકો કંઈ સમજે તે પહેલા જ આ કન્ટેનરે બીજી પીકઅપ નંબર MH-14-MH-7846 ને અડફેટે લેતા તેમાં ભરેલો માલ-સામાન વેરવિખેર થઈ ગયો હતો. વિનાશની આ વણઝાર અહીં જ ન અટકતા, ચાલકે આઈસર ટેમ્પો નંબર GJ-23-AW-8562 ને પણ પાછળથી પ્રચંડ ઠોકર મારી હતી.
અંતે, કાળમુખું કન્ટેનર સામેથી આવી રહેલા અન્ય કન્ટેનર નંબર GJ-27-TD-7435 સાથે ધડાકાભેર અથડાતા અકસ્માતની આ શ્રેણી વિકરાળ સ્વરૂપમાં ફેરવાઈ ગઈ હતી.