રાજકોટ જિલ્લાના થોરખાણ ગામે વાડીમાં ખેતીકામ કરી રહેલા પતિ-પત્ની તેમજ તેમના યુવાન પુત્ર ઉપર અચાનક જીવંત વીજ વાયર પડતા ત્રણેયને કરંટ લાગ્યો હતો. તે પૈકી દંપતિનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે પુત્રને જસદણ બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા છે. સમગ્ર બનાવની વાત કરીએ તો જસદણના થોરખાણ ગામે રહેતા અને ખેતીકામ કરતા 40 વર્ષીય વનરાજભાઈ બચુભાઈ ચારોલીયા અને તેમના 39 વર્ષીય પત્ની રેખાબેન તેમજ તેમનો 18 વર્ષીય પુત્ર વિશાલ બપોરના સમયે વાડીમાં ખેતીકામ કરતા હતા, ત્યારે ત્રણેય વ્યક્તિ પર અચાનક વીજ તાર પડતા ચોંટી ગયા હતા.
જેમાં વનરાજભાઈ અને તેમના પત્ની રેખાબેનનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જ્યારે તેમના પુત્રને તાત્કાલિક જસદણની હોસ્પિટલમાં ખસેડયા બાદ વધુ સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનામાં મૃતક વનરાજભાઈનો ભત્રીજો ઘનશ્યામ બાબુભાઈ ચારોલીયા બપોરના સમયે તેના કાકાને જમવાનું દેવા ગયો, ત્યારે તેમના કાકા સહિતના ત્રણેય લોકો વીજતાર સાથે ચોટેલા નજરે પડતા તાત્કાલિક અન્ય લોકોને જાણ કરી હતી.