વાઇબ્રન્ટ સમિટમાં એક્સિડન્ટની ચેઈનને રોકતી ઇન્ટેલિજન્ટ એલર્ટ સિસ્ટમ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 20 વર્ષ પહેલાં ‘વાઇબ્રન્ટ ગુજરાત’ના જે બીજ રોપ્યા હતા. જે આજે એક વટવૃક્ષ બનીને રાજ્યના ખૂણે-ખૂણે પહોંચ્યું છે. PM ના’આત્મનિર્ભર ભારત અને વિકસિત ભારત@2047’ના વિઝનને ગતિ આપવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજકોટ ખાતે ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ એક્ઝિબિશનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સુરેન્દ્રનગર આઈ.ટી.આઈના વિદ્યાર્થીઓએ તૈયાર કરેલી ઇન્ટેલિજન્ટ વ્હીકલ એક્સિડન્ટ એલર્ટ એન્ડ નોટિફિકેશન સિસ્ટમ રાજ્યની ટેકનિકલ ક્ષમતાનું ઉદાહરણ પૂરું પાડી રહી છે. જે સિસ્ટમથી એક્સિડન્ટ થયા બાદ 5 કિલોમીટરની ત્રિજ્યામાં આવતા વાહન ચાલકો સાવચેત થશે અને તેથી ચેઇન અકસ્માત નહીં થાય.

રાજ્યના શ્રમ, રોજગાર અને કૌશલ્ય વિકાસ વિભાગ દ્વારા ITIના તાલીમાર્થીઓને આધુનિક સંસાધનો પૂરા પાડવામાં આવતા હોવાથી આજે રાજ્યના યુવાનો સમાજની જટિલ સમસ્યાઓના સ્માર્ટ ઉકેલો લાવી રહ્યા છે. સુરેન્દ્રનગરના તાલીમાર્થીઓ દ્વારા વિકસાવવામાં આવેલી આ સિસ્ટમ રોડ એક્સિડન્ટ સમયે ગોલ્ડન અવરમાં મદદ પહોંચાડવા અને ધુમ્મસ જેવા કારણોસર થતા ચેઈન એક્સિડન્ટ રોકવામાં પાયારૂપ સાબિત થશે.

આ પ્રોજેક્ટની કાર્યપદ્ધતિ વિશે માહિતી આપતા સુપરવાઈઝર ઈન્સ્ટ્રક્ટર દિવ્યાંગ શાહે જણાવ્યું હતું કે, માર્ગ અકસ્માત સમયે ઘણીવાર ધુમ્મસ કે ઓછા પ્રકાશને કારણે ‘ચેઈન ઓફ એક્સિડન્ટ્સ’ સર્જાતા હોય છે. આ સમસ્યાના ઉકેલ માટે તૈયાર કરાયેલી આ સિસ્ટમ અકસ્માત થતાની સાથે જ 5 કિ.મી.ની ત્રિજ્યામાં આવતા અન્ય વાહનોને ત્વરિત એલર્ટ મોકલે છે. જેથી પાછળ આવતા વાહનો સમયસર પોતાની ગતિ ધીમી કરી શકે અને સંભવિત ટક્કરને ટાળી શકાય. આ પ્રોજેક્ટ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવી ચૂક્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *