રાજકોટમાં આજથી શરૂ થઈ રહેલી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ કોન્ફરન્સને લઈને વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે. આ આંતરરાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમમાં દેશ – વિદેશના અનેક મહાનુભાવો અને પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવાના હોવાથી, કોઈપણ સંભવિત તબીબી કટોકટીને પહોંચી વળવા માટે મારવાડી કોલેજ કેમ્પસમાં જ 6 બેડની સુવિધા ધરાવતી અદ્યતન મિની હોસ્પિટલ ઉભી કરવામાં આવી છે. રાજકોટ સિવિલ હોસ્પિટલના નેજા હેઠળ તૈયાર કરાયેલી હોસ્પિટલમાં નિષ્ણાત તબીબોની ફોજ તૈનાત કરવામાં આવી છે, જે કોન્ફરન્સ પૂર્ણ થાય ત્યાં સુધી ચોવીસ કલાક ખડેપગે રહેશે.
સિવિલ હોસ્પિટલ દ્વારા કરવામાં આવેલી આ વિશેષ વ્યવસ્થામાં દર્દીઓની સારવાર માટે કુલ 50 જેટલા મેડિકલ સ્ટાફને ફરજ સોંપવામાં આવી છે. આ ટીમમાં ફિઝિયોથેરાપી, જનરલ સર્જન, ઓર્થોપેડિક (હાડકાના નિષ્ણાત) અને મેડિકલ ઓફિસર જેવા વિવિધ રોગોના નિષ્ણાતોનો સમાવેશ થાય છે.
દરરોજ 5 ડોક્ટરો રોટેશન મુજબ ફરજ બજાવશે કોન્ફરન્સ દરમિયાન સતત તબીબી દેખરેખ જળવાઈ રહે તે માટે કુલ 25 ડોક્ટરોની ટીમ ખાસ ફાળવવામાં આવી છે, જેમાંથી દરરોજ 5 ડોક્ટરો રોટેશન મુજબ ફરજ બજાવશે. આ ઉપરાંત, સહાયક સ્ટાફ તરીકે 10 નર્સિંગ સ્ટાફ અને 10 સર્વન્ટ સહિતનો અન્ય પેરામેડિકલ સ્ટાફ પણ સ્થળ પર ઉપલબ્ધ રહેશે.