રાજકોટ જિલ્લામાં રેતી-કપચી સહિતના ખનીજોની ગેરકાયદે હેરાફેરીનું રેકેટ અટકાવવા ખાણ ખનીજ વિભાગની સ્ક્વોડ સતત સક્રિય છે અને તેના ભાગરૂપે સોમવારે ખાણ ખનીજ વિભાગની ફ્લાઇંગ સ્ક્વોડે વાંકાનેરના મેસરિયા ગામે દરોડો પાડી સિલિકા પાઉડરની ગેરકાયદે હેરાફેરી કરતા 3 ડમ્પર ઝડપી લીધા હતા અને તેના પર રૂ.7.50 લાખની રોયલ્ટી વસૂલવા કવાયત હાથ ધરી છે.
વાંકાનેર તાલુકાના મેસરિયા ગામેથી શંકાસ્પદ હાલતમાં નીકળેલા 3 ડમ્પરને અટકાવીને ફ્લાઇંગ સ્ક્વોડની ટીમે તલાશી લેતા તેમાં રોયલ્ટી ભર્યા વગર સિલિકા પાઉડરની હેરાફેરી કરાતી હોવાની હકીકત પ્રકાશમાં આવતા ત્રણેય ડમ્પર જપ્ત કરી પોલીસ સ્ટેશનમાં મુકાવી દીધા હતા. આ ડમ્પરના માલિકોએ પેનલ્ટી સાથે રોયલ્ટી ભરી દેવાની તૈયારી દર્શાવતા પોલીસ કેસ કરાયો નથી અને આકારણી કરતા રૂ.7.50 લાખની રોયલ્ટી ફટકારવામાં આવશે.