ભારે વરસાદને કારણે મુંબઈ અને મહારાષ્ટ્રથી આવતા ટમેટાંની આવક અડધી થઈ ગઈ છે. જેની અસર રાજકોટની શાકમાર્કેટ પર જોવા મળી રહી છે.આવક અડધી થવાને કારણે ભાવમાં પણ ઉછાળો આવ્યો છે. ટમેટાંનો ભાવ માર્કેટ યાર્ડમાં રૂ.60ના કિલોએ પહોંચ્યો છે. જ્યારે છૂટક માર્કેટમાં તેનો ભાવ રૂ.80 સુધી વસૂલવામાં આવી રહ્યો છે.અત્યાર સુધી મેથી અને કોથમીર બીજા રાજ્યમાંથી આવતા હતા, પરંતુ હવે સ્થાનિક મેથીની આવક શરૂ થઈ ગઈ છે. જ્યારે કોથમીર શરૂ થતા હજુ 15 દિવસ લાગશે. અત્યારે કોથમીર ઈન્દોરથી આવી રહી છે.
વરસાદી વાતાવરણને કારણે બીજા રાજ્યમાંથી આવતા શાકભાજી પહોંચતા પણ વાર લાગે છે. તેમ વેપારીઓ જણાવી રહ્યા છે. અત્યારે ટમેટાં ઉપરાંત કોથમીર, ભીંડો, ગુવાર, ટીંડોળા, સરગવો, આદુ, મેથી સહિતના શાકભાજીના ભાવ પ્રતિ મણ રૂ.1500થી 2300ની વચ્ચે બોલાઈ રહ્યા છે. આ ઉપરાંત રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં પણ બે દિવસથી મેઘાવી માહોલ જોવા મળે છે. 25 જુલાઇ બાદ સ્થાનિક શાકભાજી નિયમિત આવવાનું શરૂ થઈ જશે. તેમ શાકભાજી વિભાગના ઈન્સ્પેક્ટર કનુભાઈ ચાવડા જણાવી રહ્યા છે.