રાજકોટ શહેરમાં ટ્રાફિક પોલીસ અને વાહનચાલકો વચ્ચે અવારનવાર માથાકૂટ થાય છે, સોમવારે સાંજે વન-વેમાં જતી રિક્ષાને અટકાવતાં તેમાં બેઠેલા કિન્નરે ટ્રાફિક પોલીસમેન સાથે માથાકૂટ કરી અન્ય કિન્નરોને બોલાવી અશ્લીલ હરકતો કરી હતી અને ટ્રાફિક કોન્સ્ટેબલને ઘેરી લઇ મારકૂટ કરી હતી.
ટ્રાફિક શાખામાં ફરજ બજાવતાં કોન્સ્ટેબલ હિતેન્દ્રસિંહ સાવજુભા ગોહિલે એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ઓટો રિક્ષાનો ચાલક, કિન્નર મીરાદે, લાંબાવાળ વાળો શખ્સ તથા અન્ય સાતથી આઠ કિન્નર હોવાનું કહ્યું હતું. કોન્સ્ટેબલ હિતેન્દ્રસિંહે ફરિયાદમાં જણાવ્યું હતું કે, સોમવારે સાંજે પોણા પાંચેક વાગ્યે પોતે સાંગણવા ચોક ખાતેના ટ્રાફિક પોઈન્ટ પર ફરજ બજાવી રહ્યા હતા અને નો-એન્ટ્રીમાં જતાં વાહનોને અટકાવતા હતા અને તેની સામે કાર્યવાહી કરતાં હતા ત્યારે એક રિક્ષા ઢેબર ચોક તરફથી આવી હતી અને નો-એન્ટ્રીમાં જતાં જ ત્યાં કોન્સ્ટેબલ હિતેન્દ્રસિંહે રિક્ષાને આગળ જતી અટકાવી હતી, કોન્સ્ટેબલે વન-વે હોવાનું કહેતા રિક્ષામાંથી એક કિન્નર અને એક શખ્સ નીચે ઉતર્યા હતા અને અમારી જરિક્ષા કેમ રોકી, બીજા વાહન તો રોકતા નથી તેમ કહી માથાકૂટ શરૂ કરી હતી અને રિક્ષાચાલકે મોબાઇલથી શૂટિંગ ઉતારવાનું શરૂ કર્યું હતું.
ત્યારબાદ કિન્નર જોરજોરથી તાળી પાડવા લાગ્યો હતો અને કહ્યું હતું કે, ‘હું રાજકોટ કિન્નર અખાડાની ગાદીપતિ મીરાદે છું, તમે મને ઓળખતા નથી, અમારી રિક્ષા કોઇ રોકતું નથી, અને હમણા જો હું અમારા બધા કિન્નરોને ભેગા કરું છું, કહી મીરાદેએ ફોન કરતાં થોડી જ વારમાં સાતેક કિન્નર ધસી આવ્યા હતા અને તેમણે કપડાં ઉંચા કરી અશ્લીલ હરકતો કરી હતી અને કોન્સ્ટેબલ હિતેન્દ્રસિંહને ઘેરી લઇ ઢીકાપાટુનો માર માર્યો હતો. ઘટનાને પગલે લોકો એકઠા થઇ ગયા હતા અને કોન્સ્ટેબલ ગોહિલને કિન્નરોના ટોળાંમાંથી બચાવ્યો હતો. પોલીસે પોલીસમેન ગોહિલની ફરિયાદ પરથી ગુનો નોંધી હુમલાખોર કિન્નરો સામે કાર્યવાહી હાથ ધરી હતી.