વડોદરાના વાઘોડિયા તાલુકામાં વ્યારા ગામ પાસે દેવ નદીમાં ગણેશ વિસર્જન દરમિયાન એક યુવક પાણીના વહેણમાં તણાઈ જતાં ડૂબવા લાગ્યો હતો. જોકે, અન્ય એક યુવક એક પણ ક્ષણનો વિચાર કર્યા વગર નદીમાં કૂદી પડીને યુવકને ડૂબતો બચાવ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં યુવકની ડૂબવાની ક્ષણો અને તેને બચાવવાના પ્રયાસો સ્પષ્ટ જોવા મળે છે. આ ઘટનાએ વહીવટી તંત્રની સુરક્ષા વ્યવસ્થાઓમાં મોટી ખામીઓને ઉજાગર કરી છે, કારણ કે વિસર્જન સમયે કોઈ તૈયારી કરવામાં આવી નહોતી.
ઘટનાની વિગતો અનુસાર, ગણેશ વિસર્જન માટે દેવ નદીમાં આવેલા યુવકોમાંથી એક યુવક મૂર્તિ વિસર્જન કરવા માટે પાણીમાં ઊતર્યો હતો. અચાનક જોરદાર વહેણને કારણે તે તણાઈ ગયો હતો અને ડૂબવા લાગ્યો હતો. વીડિયોમાં જોવા મળે છે કે યુવકે બે-ત્રણ વખત ડૂબકી ખાધી હતી અને તે પાણીમાં તરફડાતો જોવા મળ્યો હતો.
અન્ય યુવકે પાણીમાં કૂદીને યુવકનો જીવ બચાવ્યો આ સમયે તેની આસપાસના અન્ય યુવકોએ તરત જ પ્રતિક્રિયા આપી હતી. તેમાંથી એક યુવકે તરત જ પાણીમાં કૂદીને તેને પકડી લીધો હતો અને મુશ્કેલીથી તેને કિનારા સુધી લાવ્યો હતો. આ બચાવ કાર્યને કારણે યુવકનું જીવન બચી ગયું હતું.