વડોદરા શહેરના છેવાડે સેવાસી પાસેના એક ફાર્મમાં 17-18 ફેબ્રુઆરીના રોજ શ્રી સિદ્ધેશ્વરધામ સરકાર (સતના)ના આદર્શ કૃષ્ણ શાસ્ત્રીના દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. દિવ્ય દરબારના પૂર્ણાહુતિના દિવસે એક વ્યક્તિ દરબારમાં પહોંચી ગયો હતો અને શાસ્ત્રી સમક્ષ બેસી જઈને પોતાનું નામ અને પિતાનું નામ બતાવવા માટે ચેલેન્જ કરી હતી. જોકે, શાસ્ત્રીએ ચેલેન્જ કરનારને તેનું નામ અને તેના પિતાનું નામ બતાવવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. આથી દરબારમાંથી અન્યની પર્ચી બતાવવા માટે જણાવ્યું હતું. દરબારમાં શાસ્ત્રી અને એક વ્યક્તિ વચ્ચે સત્ય-અસત્યનાં પારખાં બાબતે થયેલી ઉગ્ર બોલાચાલીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.
આ દિવ્ય દરબારને ધારી સફળતા મળી નથી. પરંતુ, આ દિવ્ય દરબાર કરનાર આદર્શ કૃષ્ણ શાસ્ત્રીને વડોદરામાં સુથારી કામનો વ્યવસાય કરતા એક યુવાને પોતાનું અને પિતાનું નામ બતાવવાનો પ્રશ્ન પૂછીને ખુલ્લા પાડી દીધા હતા. શાસ્ત્રી અને આ યુવાન વચ્ચે પ્રશ્નને લઈને લગભગ 5 મિનિટ સુધી ઉગ્ર ચર્ચા ચાલી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો.
આદર્શ કૃષ્ણ શાસ્ત્રીની પોલ ખોલનાર વડોદરાના યુવાને જણાવ્યું હતું કે, હું અંકોડિયા તરફથી ઘરે જઈ રહ્યો હતો. રસ્તામાં દિવ્ય દરબારનું બોર્ડ વાંચતા હું તેમાં ગયો હતો અને નામ બતાવવાનું જણાવતા શાસ્ત્રી બતાવી શક્યા નહોતા. આથી દરબારમાંથી નીકળી ગયો હતો. આ બાદ પુનઃ શાસ્ત્રીએ મને પંડાલમાં બોલાવ્યો હતો અને દરબાર ભર્યો હતો. દરબારમાં હાજર લોકો પૈકી કોઈની પણ પર્ચી કાઢવાની વાત કરી હતી અને મને યુ ટ્યૂબમાં તેમના વીડિયો જોવાની સલાહ આપી હતી. મને ચેલેન્જ કરનારને નાક રગડીને મોકલું છું. ત્યારે મેં કહ્યું કે, મારે કોઈ વીડિયો જોવા નથી. હું તમારી સામે બેઠો છું. મને મારું અને મારા પિતાનું નામ બતાવો તો હું તમને સાચા માનું અને હું મારું નાક રગડીને જઈશ. પરંતુ, શાસ્ત્રી સુથારીનો વ્યવસાય કરનારને નામ બતાવી શક્યા નહોતા.