એક તરફ પોલીસ વ્યાજખોરો વિરુદ્ધ અનેક પગલાંઓ લઈ રહી છે. આક્રમક મૂડમાં જોવા મળી રહી છે. ત્યારે બીજી તરફ વ્યાજખોરો પોલીસ તંત્રને સતત પડકાર ફેકી રહ્યા હોય તેમ પોતાના કારનામાં સતત શરૂ રાખી રહ્યા છે. ગયા મહિને ગુજરાતભરમાં પોલીસ દ્વારા લોકદરબાર યોજીને ગેરકાયદે વ્યાજ વસૂલતા વ્યાજખોરો સામે અભિયાન ચલાવવામાં આવ્યું હતું. છતાંય સ્થિતિ જેમની તેમ છે. વ્યાજખોરના ત્રાસથી વધુ એક વ્યક્તિએ આપઘાત કર્યો છે.
વ્યાજખોરીના ત્રાસથી વડોદરાના ચેતનનું સારવાર દરમિયાન મોત થયો છે. સમગ્ર ઘટના આ રીતે છે કે, વ્યાજખોરોના ત્રાસને કારણે ચેતને ઝેરી દવા પીધી હતી અને જેની અસરથી સારવાર દરમિયાન મોત થયું છે. વિગતો મુજબ વ્યાજખોર ભરવાડ બ્રધર્સ માનસિક ત્રાસ આપતા હતા અને આરોપી સાજન ભરવાડ, સુરેશ ભરવાડ અને વિઠ્ઠલ ભરવાડ પર કેટલાક આરોપ પણ છે, ત્રણેય શખ્સો વારંવાર માનસિક ત્રાસ આપતા હોવાનો આરોપ લગાવવામા આવી રહ્યાં છે.
લેણદારોના ત્રાસથી રત્નકલાકારે પગલું ભર્યું હતું
થોડા દિવસ અગાઉ સુરત શહેરના સરથાણામાં આવેલ ગ્રીન વેલી બિલ્ડિંગમાં પરિવાર સાથે રહેતા રત્ન કલાકાર અમિત સાવલિયાએ લેણદારોથી કંટાળીને ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી હતો. લેણદારોની સતત ફોન કરીને ધમકી આપતા તેમણે અંતિમ પગલું ભરી લીધું હતું.
મહેસાણામાં પશુપાલકે ઊંઘની 30 ગોળી ગટગટાવી હતી
મહેસાણાના વિસનગરમાં પીડિતે વ્યાજખોરને વ્યાજ સહિતની રકમ આપી છતાય વારંવાર ધમકી આપી વધુ પૈસાની માંગ કરવામાં આવી રહી હતી. અંતે કંટાળી પીડિતે આપઘાતનું મન બનાવી લીધું. તેમણે એકસાથે ઊંઘની 30 ગોળી ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
મળતી માહિતી અનુસાર, મહેસાણા જિલ્લાના વિસનગરના એક પશુપાલકે પશુ ખરીદવા માટે કિરીટકુમાર સેવન્તિલાલ શાહ નામના શખ્સ પાસેથી 22 લાખ રૂપિયા લીધા હતા. જે બાદ થોડા સમયમાં પશુપાલકે તેમને 22 લાખ રૂપિયા પરત આપી દીધા હતા. તેમ છતાં વ્યાજખોર દ્વારા રૂપિયાની અવારનવાર માંગ કરવામાં આવી રહી હતી. તેમણે 22 લાખની સામે 1 કરોડ રૂપિયા ચૂકવ્યા બાદ પણ વ્યાજખોરે 32 લાખ રૂપિયાની માંગ કરી હતી. પશુપાલકે આપેલા ચેકનો દુરુપયોગ કરી ચેક રિર્ટનનો કેસ પણ કરાવ્યો હતો. અંતે કંટાળીને પશુપાલકે જીવન ટૂંકાવવાનો નિર્ણય લીધો હતો.
પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી
તેમણે એક સાથે ઊંઘની 30 ગોળી ગટગટાવી લીધી હતી. જોકે, પરિવારને આ અંગેની જાણ થતાં જ તેમને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. તો આ અંગેની જાણ થતાં વિસનગર શહેર પોલીસની ટીમ પણ હોસ્પિટલ ખાતે દોડી આવી હતી. જે બાદ પશુપાલકે કિરીટકુમાર સેવન્તિલાલ શાહ નામના વ્યાજખોર સામે ફરિયાદ નોંધાવી હતી. હાલ વિસનગર શહેર પોલીસે વ્યાજખોરીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.