વડોદરા લોકસભા બેઠક પર ભાજપ દ્વારા સતત ત્રીજી વખત સાંસદ રંજનબહેન ભટ્ટને રિપીટ કરવામાં આવતાં BJPમાં ભારે નારાજગી છે. ‘મોદી તુજસે વેર નહીં, રંજન તેરી ખેર નહીં’ વગેરે જેવા બેનરો લાગ્યા હતા. મોડીરાત્રે શહેર વિધાનસભાના ધારાસભ્યના વિસ્તારમાં ભાજપના ઉમેદવાર સામે નારાજગી વ્યક્ત કરતાં બેનરો લાગતાં ચકચાર મચી ગઈ હતી. તો બીજી બાજુ વડોદરા શહેરના અટલાદરા સ્થિત ખિસકોલી સર્કલ પર વધુ એક વિવાદીત બેનર લગાડેલું જોવા મળ્યું હતું. જેમાં રંજનબેન ભટ્ટ નહીં, પરંતુ સી.એમ અને પ્રદેશ પ્રમુખને ટાર્ગેટ કરી લખાવમાં આવ્યું છે કે, સી.એમ અને પ્રદેશ પ્રમુખને વડોદરાના વિકાસમાં રસ નથી?. પોસ્ટર વોરને કારણે વડોદરાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
મળતી માહિતી મુજબ કોઈ એક્ટીવા ચાલક સવારે 10 વાગ્યે આ બેનર લગાવી ગયો હોવાનું બહાર આવ્યું છે. પરંતુ પોલીસ જ્યારે સ્થળ પર પહોંચી તો કોઈ વાહન ચાલક પોસ્ટર તોડીને લઈ ગયો હતો. રાત્રે પણ જેણે બેનરો લગાવ્યા હતા એના સીસીટીવી સામે આવતા કાર્યવાહી કરવામાં આવી છે અને પોલીસે એક શખસની અટકાયત કરી છે. એમ કે ગુર્જરે જણાવ્યું, મિત્રો દ્વારા જાણવા મળ્યું કે, ખિસકોલી સર્કલ પર બેનરો લગાવ્યા છે, જોકે અમે અહીયા આવ્યા ત્યારે બેનર નહોતું, પરંતુ અમારી શોધખોળ અને સીસીટીવી જોવાની તપાસ ચાલુ છે.