વડોદરામાં પતંગની દોરીથી નોકરી જઈ રહેલા યુવાનનું ગળું કપાયું

ઉત્તરાયણને પંદર દિવસ થઈ ગયા છે છતાં શહેરમાં કેટલાક લોકો ધારદાર દોરીનો ઉપયોગ કરીને પતંગો ચગાવી રહ્યા છે. આજે મકરપુરામાંથી બાઇક ઉપર પસાર થઇ રહેલા યુવાનનું પતંગની દોરીથી ગળું કપાઈ ગયું હતું. ધારદાર દોરીથી ગળું કપાતાં લોહીના ખાબોચિયાં ભરાઇ ગયાં હતાં. શરીરમાંથી લોહી વહી જતાં યુવાન સ્થળ પર ઢળી પડ્યો હતો. આ બનાવને પગલે સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને ગંભીર ઇજાગ્રસ્ત યુવાનને 108 એમ્બ્યુલન્સ બોલાવી હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

સ્થાનિક લોકો મદદે દોડી આવ્યા
મળતી માહિતી પ્રમાણે, શહેરના મકરપુરા જીઆઇડીસી રોડ ઉપરથી વિપુલ પટેલ પોતાની બાઇક ઉપર નોકરી જઇ રહ્યો હતો. દરમિયાન અચાનક તેના ગળામાં પતંગની ધારદાર દોરી ભરાતાં તે બાઇક ઉપરથી નીચે પટકાયો હતો. આ બનાવને પગલે સ્થાનિક લોકો મદદે દોડી આવ્યા હતા. જોતજોતાંમાં લોકોનું ટોળું એકઠું થઇ ગયું હતું.

વિપુલ પટેલના ગળામાં દોરી આવી જતાં લોહીના ફુવારા ઊડવા લાગ્યા હતા. જોતજોતાંમાં વિપુલ આખો લોહીથી લથપથ થઇ ગયો હતો. સ્થાનિક લોકોએ તેના ગળામાં રૂમાલ અને કપડું મૂકી લોહીને વહેતું અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. એ સાથે બનાવની જાણ 108 એમ્બ્યુલન્સને કરતાં એમ્બ્યુલન્સ પણ ગણતરીની મિનિટોમાં આવી પહોંચી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *