વડોદરા મહાનગરપાલિકા દ્વારા બદામડી બાગ ખાતે 5.80 કરોડના ખર્ચે બનાવવામાં આવેલી સ્વામી વિવેકાનંદ આર્ટ ગેલેરી અને ફાયર સ્ટેશનનું લોકાર્પણ મહત્વની સુવિધાઓ વિના કરી દેતા આર્ટિસ્ટો અને ફાયર જવાનોમાં રોષ જોવા મળી રહ્યો છે. આર્ટ ગેલેરી માટે એન્ટ્રી ગેટ, લિફ્ટ અને પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ નથી તો ફાયર સ્ટેશનમાં પણ પૂરતી ગાડીઓ રાખવા માટે યોગ્ય જગ્યા નથી, જેના કારણે તેની ઉપયોગિતા પર સવાલો ઉઠી રહ્યા છે.
આર્ટ ગેલેરી ત્રીજા માળે હોવા છતાં ત્યાં પહોંચવા માટે લિફ્ટની સુવિધા ઉપલબ્ધ નથી. આ ઉપરાંત એન્ટ્રી ગેટ અને પાર્કિંગ પણ ન હોવાથી કલાકારો માટે આ ગેલેરી એક શોભાના ગાંઠિયા સમાન બની ગઈ છે. આર્ટીસ્ટ પરિવારના ફાઉન્ડર પુલકિત દવેએ જણાવ્યું કે, આ ગેલેરી માટે 8 વર્ષથી કલાકારો લડત આપી રહ્યા હતા પણ જો તમામ સુવિધાઓ પછી લોકાર્પણ થયું હોત તો વધુ સારું થાત.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, આજે ગેલેરીનો ઉપયોગ કરવો મુશ્કેલ છે, કારણ કે પાર્કિંગ અને લિફ્ટ વિના આર્ટ એક્ઝિબિશન અને મહેમાનો માટે સુગમતા રહેતી નથી. લાઈટિંગ અને અન્ય સુવિધાઓ પણ અધૂરી છે, જેના કારણે કલાકારો માટે આ ગેલેરી અનુકૂળ નથી. બહારના આર્ટિસ્ટોને આમંત્રણ આપી શકાશે નહીં ત્યાં સુધી ગેલેરી ફક્ત નામ પૂરતી રહેશે.