રાજકોટના કાલાવાડ રોડ પર વડવાજડી ગામે મકાનના દરવાજા ખુલ્લા રાખી સૂતેલા પરિવારના મકાનમાંથી રૂ.2.50 લાખની રોકડ તેમજ દાગીના મળી કુલ રૂ.3.31 લાખની ચોરી થઇ હતી જેમાં ચોરી કરનાર શખ્સને પડકારનાર યુવતી પર હુમલો કરતાં દેકારો થતા તસ્કર નાસી જતા મેટાડા પોલીસે ગુનો નોંધી તસ્કરને ઝડપી લેવા મથામણ કરી હતી. આ ઘટના લૂંટની હોવાનું પ્રાથમિક તબક્કે સ્પષ્ટ થઇ રહ્યું છે, પરંતુ પોલીસે ગુનો ચોરી થયાનો નોંધીને આશ્ચર્ય સર્જયું છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ વડવાજડી ગામે સહજાનંદ સ્મૃતિ પાર્કમાં રહેતા અને સફાઇ કામ કરતા જીતુભાઇ ભીખાભાઇ ચૌહાણએ ફરિયાદ કરી હતી. જેમાં તેને જણાવ્યું હતું કે, તેને સંતાનમાં એક પુત્રી અને એક પુત્ર હોવાનું અને તા.13ના રોજ રાત્રીના બન્ને સંતાનો અને અમે પત્ની સાથે જમીને ડેલી બહાર ખાટલા નાખીને અને પુત્રી મકાનના નીચેના રૂમમાં સૂતી હતી ત્યારે રાત્રીના દોઢેક વાગ્યાની આસપાસ તેની પુત્રી હિનાએ દેકારો કરી પપ્પા ચોર આવેલ છે. તેવો અવાજ આવતા હું અને મારી પત્ની તુરંત જાગી ગયા હતા અને ઊભા થઇને જોતા અમારા ઘરની અંદરથી એક શખ્સ દોડીને ફળિયાની દીવાલ કૂદી નાસી ગયો હતો તે પણ તુરંત પાછળ ગયેલ પરંતુ અંધારાનો લાભ લઇ શખ્સ નાસી ગયો હતો.