વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયનો પાર્ષદ પીધેલો પકડાયો, દારૂની એક ખાલી, એક ભરેલી બોટલ જપ્ત

ધોરાજી તાલુકાના પાટણવાવની પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે સર્પાકારે પસાર થતી કારને નાની મારડ પાસે રોકીને તલાશી લેતાં ચાલક નશામાં હોવાનું અને તેની પાસેથી એક ખાલી બોટલ તેમજ દારૂની એક ભરેલી બોટલ નીકળી હતી.

ચાલકની પૂછપરછ કરતાં તે ખેડાના વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયનો પાર્ષદ હોવાનું અને મૂળ ગીર સોમનાથના ઉના તાલુકાના નાના સમઢિયાળાનો રહીશ હોવાની કબુલાત આપી હતી.

જેના આધારે પાટણવાવ પોલીસે આરોપી સામે પ્રોહિબિશનની કલમ 65 (એ) (ઇ), 116 મુજબ ગુનો નોંધી કાર અને મોબાઇલ તેમજ દારૂ મળીને કુલ 45,673નો મુદામાલ કબજે લીધો હતો.

ઘટનાની મળતી વિગતો મુજબ પાટણવાવ પોલીસ સ્ટેશનના લોકરક્ષક મહિપતસિંહ ઉદયસિંહ ગોહિલ સહિતની ટીમ ગત રાતે નાની મારડ ગામ આસપાસ પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન એક કાર નંબર જીજે 07 ડીજી 6710 સર્પાકારે પસાર થઇ હતી, આથી તેને રોકાવીને તલાશી લેતાં ચાલક નશામાં ચૂર હોવાનું ખુલ્યું હતું.

તેની પૂછપરછ દરમિયાન તેણે પોતાનું નામ મયુરભગત ગરુસ્વામી ધર્મપ્રસાદજી પાર્ષદ પરેશભાઇ ત્રિવેદી (ઉ.વ.39) હોવાનું અને પોતે ખેડાના વડતાલ સ્વામીનારાયણ મંદિરમાં રહેતો હોવાની કબુલાત આપી હતી. પોલીસે કારમાંથી દારૂની એક ખાલી બોટલ અને એક આખી સીલપેક ભરેલી બોટલ કબજે લીધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *