વકફ બોર્ડના હુકમના નામે મસ્જિદના ટ્રસ્ટીઓએ સામાન બહાર ફેંકી ત્રણ દુકાન પર કબજો જમાવ્યો

શહેરના દાણાપીઠમાં નવાબ મસ્જિદની બાજુમાં આવેલી ત્રણ દુકાનનો મસ્જિદના ટ્રસ્ટીઓએ ગેરકાયદે કબજો મેળવવાનો ખેલ કરતાં ચકચાર મચી ગઇ હતી. વકફ બોર્ડના નામે મસ્જિદના ટ્રસ્ટીએ એક દુકાનનો સામાન બહાર ફેંકી દીધો હતો તો બીજી બે દુકાનના સંચાલકો કબજો સોંપવા મજબૂર બન્યા હતા.

રેસકોર્સ રિંગ રોડ પરની કિરણ સોસાયટીમાં રહેતા અને દાણાપીઠમાં મંડપ સર્વિસનો વ્યવસાય કરતાં વિરેન્દ્રભાઇ કલ્યાણજીભાઇ કોટેચા (ઉ.વ.72)એ એ.ડિવિઝ્ન પોલીસ સ્ટેશનમાં ફરિયાદમાં જણાવ્યું હતું કે, નવાબ મસ્જિદની બાજુમાં તેમની મંડપ સર્વિસની દુકાન છે અને સિતેરક વર્ષ પહેલાં તેમના પિતાજીએ નવાબ મસ્જિદ ટ્રસ્ટની આ દુકાન ભાડેથી લીધી હતી. તા.31ને મંગળવારે સાંજે પોતે દાણાપીઠમાં તેમના ભત્રીજા કનૈયાલાલ કોટેચાની દુકાનની બહાર ઓટલા પર બેઠા હતા ત્યારે પાંચેક શખ્સ તેમની તથા હસમુખભાઇ મહેતાની દુકાનનું તાળું તોડવા લાગ્યા હતા અને દુકાનનો સામાન બહાર ફેંકી દીધો હતો. આ કૃત્ય કરી રહેલા શખ્સો પાસે જતાં તેમાંથી ફારૂક મુસાણી નામના શખ્સે પોતાની ઓળખ નવાબ મસ્જિદના ટ્રસ્ટી તરીકે આપી હતી અને વકફ બોર્ડનો દુકાન ખાલી કરવાનો હુકમ છે. અન્ય ભાડૂઆત અભિષેકભાઇ આડઠક્કર પણ ત્યાં પહોંચ્યા હતા અને તેમણે તથા હસમુખભાઇએ દુકાનના તાળાં ખોલી દીધા હતા. પોલીસ તમામને પોલીસ મથકે લઇ ગઈ હતી. પીઆઇ બારોટે જણાવ્યું હતું કે, ફારૂક સહિત આઠેયને નોટિસ ફટકારવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *