લ્યો બોલો…ફેસ રીડિંગ મશીનમાં ફોનમાં ફોટો બતાવીને હાજરી પુરી

રાજકોટ મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચારના મૂળિયા કેટલા ઊંડા ઉતરેલા છે તેનો વધુ એક પુરાવો સામે આવ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કર્મચારીઓની હાજરીમાં પારદર્શિતા લાવવા માટે લાખો રૂપિયાના ખર્ચે ‘ફેસ રીડિંગ મશીન’ જેવી અત્યાધુનિક પદ્ધતિ અમલમાં મૂકવામાં આવી છે. પરંતુ, ભ્રષ્ટ તત્વોએ આ ટેકનોલોજીમાં પણ છીંડા શોધી કાઢ્યા છે. રાજકોટના વોર્ડ નં. 12 (વાવડી) વિસ્તારમાં સફાઈ કામદારોની ડમી હાજરી પૂરવાનું એક ચોંકાવનારું કૌભાંડ બહાર આવ્યું છે. જેને લઈ કામદાર યુનિયન દ્વારા આ મુદ્દે તટસ્થ તપાસ કરી જવાબદારોને સસ્પેન્ડ કરવાની માગ કરવામાં આવી છે.

સામાન્ય રીતે ફેસ રીડિંગ મશીન વ્યક્તિનો જીવંત ચહેરો સ્કેન કરીને હાજરી નોંધતું હોય છે, પરંતુ વાવડી વોર્ડ ઓફિસમાં આ ટેકનોલોજીનો ખુલ્લેઆમ દુરુપયોગ થઈ રહ્યો છે. સામે આવેલા વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, સફાઈ કામદારે રૂબરૂ હાજર રહેવાની જરૂર પણ નથી પડતી. માત્ર અન્ય વ્યક્તિના મોબાઈલ ફોનમાં રહેલા સફાઈ કામદારના ફોટાને મશીન સામે રાખવામાં આવે છે અને મશીન તેને અસલી ચહેરો માનીને હાજરી સ્વીકારી લે છે. આવા કૌભાંડને કારણે અનેક સફાઈ કામદારો ઘરે બેઠા જ સરકારી પગાર મેળવી રહ્યા હોય તેવી આશંકા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *