રાજકોટ શહેરના લોહાનગરમાં ગત સપ્તાહે કોલેરાનો એક કેસ નોંધાયો હતો જેને લઈને તંત્ર દોડતું થયું હતું અને હવે વધુ એક કેસ તે જ વિસ્તારમાંથી બહાર આવ્યો છે. પાડોશમાં રહેતા પરિવારના દોઢ વર્ષના બાળકના સેમ્પલ પોઝિટિવ આવ્યા છે.
મનપાની આરોગ્ય શાખાના જણાવ્યા અનુસાર ગત સપ્તાહે છ વર્ષના બાળકને કોલેરા હોવાનું નિદાન થયું હતું. ત્યારબાદ લોહાનગરમાં સર્વેલન્સ મજબૂત બનાવીને 448 ઘરમાં તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન 6 દર્દીમાં ઝાડા-ઊલટીની અસર જોવા મળી હતી. જે પૈકી તમામને સારવાર અપાઈ હતી અને તેમાંથી સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ પૈકી દોઢ વર્ષના બાળકના સ્ટૂલ સેમ્પલમાં કોલેરા રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ આ બાળકની હાલત સ્વસ્થ છે દાખલ કરવાની જરૂર પડી નથી. વિસ્તારમાં કુલ 1700થી વધુ લોકોનો સરવે કરીને આરોગ્ય તપાસ કરાઈ છે અને હાલ એકપણ કેસમાં કોલેરાની અસર જણાતી નથી. જે પહેલા કેસ નોંધાયો હતો તેનાથી થોડે જ દૂર રહેતા પરિવારના બાળકને સંક્રમણ લાગ્યું છે અને તપાસ કરતાં આ બંને પરિવારના બાળકો સાથે રમતા તેમજ એકબીજાના ઘરે જતા હોવાનું માલૂમ પડ્યું છે જેથી આ સંક્રમણ ફેલાયાનું પ્રાથમિક તારણ છે હાલ તો વિસ્તારમાં ચોખ્ખા પીવાના પાણી માટે સમજણ અપાઈ રહી છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા સફાઈ કરાઈ રહી છે અને દરરોજ મેડિકલ કેમ્પ થઈ રહ્યા છે.