ગોવર્ધન ચોક પાસેની સુખસાગર સોસાયટીમાં રહેતા અને વાવડીમાં આસોપાલાવ ટ્રાએંગલ બિલ્ડિંગમાં ઓફિસ ધરાવતાં પરાગભાઇ પ્રવીણભાઇ ધંધુકિયા (ઉ.વ.37)એ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે સાગર રમેશ રાદડિયા અને તેની સાથેના એક અજાણ્યા શખ્સનું નામ આપ્યું હતું.
પરાગભાઇએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગુરૂવારે સાંજે પોતે બહાર ગયા હતા અને અફજલભાઇ ભટ્ટી તથાં વસિમભાઇ ખલીફા નામના બે ગ્રાહક અને બે મહિલા કર્મચારી અોફિસે હતા ત્યારે સાગર રાદડિયા સહિત બે શખ્સ ઓફિસમાં ઘૂસી ગયા હતા અને પરાગ ક્યાં છે તેમ કહી ગાળો ભાંડી હતી અને ઓફિસની તમામ વસ્તુ વેરવિખેર કરી નાખી હતી, ધમાલથી બંને મહિલા કર્મચારી બહાર નીકળી ગઇ હતી અને ઓફિસમાં રહેલા બંને ગ્રાહક પર સાગર સહિત બંનેએ હુમલો કર્યો હતો.
ઘટનાની જાણ થતાં પરાગ ધંધુકિયા પોતાની ઓફિસે પહોંચ્યા હતા ત્યા તેમના પત્ની સિધ્ધિબેનના મોબાઇલમાંથી તેને ફોન આવ્યો હતો, ફોન પર સાગર રાદડિયા વાતચીત કરતો હતો અને તેણે ધમકી આપી હતી કે, તારી પત્ની અને તેનો મોબાઇલ મારી પાસે છે તેમ કહી મોબાઇલ કાપી નાખ્યો હતો. પરાગભાઇ ઘરે પહોંચ્યા તો જાણવા મળ્યું હતું કે, સાગર રાદડિયા ઘરે આવ્યો હતો અને તેના પત્નીના મોબાઈલ પણ લૂંટી લીધો હતો.