લોનના હપ્તાનું કલેક્શન કરતાં યુવકને ઉઘરાણી કરવા મુદ્દે ત્રણ શખ્સે માર માર્યો

શહેરના મોરબી રોડ જકાતનાકા પાસે જય વેલનાથ ગ્રૂપ નામની ઓફિસની સાથે આવેલી શરાફી મંડળી તથા ઇલેક્ટ્રોનિક આઇટમની દુકાનના કલેક્શન વિભાગમાં નોકરી કરતાં ભાવેશભાઇ ધનજીભાઇ ડાભી ઉપર વિરેન્દ્રસિંહ ગોહિલ અને બે અજાણ્યા શખ્સોએ દુકાનમાં ઘૂસી ગાળો દઇ સફાઈ કામમાં ઉપયોગમાં લેવાતા વાઈપર સ્ટિકથી હુમલો કરી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.

ભાવેશભાઇએ બી-ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તે જય વેલનાથ ગ્રૂપની ઓફિસની સાથે જ આવેલી સહકારી મંડળી અને ઇલેક્ટ્રિકના શો રૂમમાં કલેક્શનની કામગીરી સંભાળે છે. તેમની દુકાનેથી ત્રણ વર્ષ પહેલાં વિરેન્દ્રસિંહ હપ્તેથી ફ્રીઝ લઇ ગયા હતાં, પરંતુ ફ્રીઝના હપ્તા ન ભરતા હોઇ જેથી પોતે કલેક્શનની કામગીરી સંભાળતો હોવાથી તેણે તેમની પાસે હપ્તાની ઉઘરાણી કરી હતી.

આ કારણે એક મહિના પહેલાં બોલાચાલી થઇ હતી. બાદમાં આ બાબતનો ખાર રાખી તેઓએ શુક્રવારે રાતે બે શખ્સ સાથે તેમની દુકાને આવી ઝઘડો કરી તેને માર મારી ગાળો દઇ ધમકી આપી હતી.

“હવે પછી કોઇ દિવસ કોલ કરીશ તો જાનથી મારી નાખીશ’ તેવી ધમકી આપી વિરેન્દ્રસિંહ અને બે શખ્સ ભાગી ગયા હતા. આ મામલે તેણે બી-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય આરોપી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *