લોધિકામાં તાલુકા વિકાસની પરવાનગી વગર થોરડી રોડ પર નવા ગામતળના 14 પ્લોટ ખુલ્લી હરાજી કર્યા વગર મળતિયાઓને વેચી દેવાના અને 13 પ્લોટના દસ્તાવેજ કરી દેવાના ચકચારી પ્રકરણમાં જિલ્લા વિકાસ અધિકારી આનંદ સુરેશ ગોવિંદે ફરી સસ્પેન્ડ કરી નાખવાનો હુકમ કર્યો છે.
રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી આનંદ સુરેશ ગોવિંદે તા.15મીએ કરેલા હુકમમાં જણાવ્યું હતું કે, ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 57(1) હેઠળ મળેલા અધિકારની રુએ સુધાબેન કિશોરભાઇ વસોયા (સરપંચ, લોધિકા ગ્રામ પંચાયત)ને હરાજી કરવાના અધિકાર ન હોવા છતાં જૂના અને નવા ગામતળની હરાજી પૂર્ણ કરેલ છે તથા 13 પ્લોટના દસ્તાવેજ કરી આપેલ છે તેમજ તાલુકા વિકાસ અધિકારીને જાણ કર્યા વગર અને કોઇપણ જાતની પરવાનગી વગર થોરડી રોડ પર આવેલા નવા ગામતળના પ્લોટ નં.6નો સબ પ્લોટિંગ કરી દસ્તાવેજ કરી ખુલ્લી હરાજી કર્યા વગર મળતિયાઓને પ્લોટ ફાળવી દીધેલો જેથી વહીવટી ગેરરીતિ, દુર્વર્તન, અધિકારોનો દુરુપયોગ, સરકારી તિજોરીને નુકસાન પહોંચાડવું, સત્તા બહારના કૃત્યો કરવા વિગેરે કૃત્યો માટે સરપંચ તરીકે સત્તાનો દુરુપયોગ કરેલ હોય અને ગુજરાત પંચાયત અધિનિયમ મુજબ પોતાની ફરજો બજાવવામાં અસમર્થ રહેલા હોય સુધાબેન કિશોરભાઇ વસોયાને હોદ્દા પરથી દૂર કરવા હુકમ કરું છું.